Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

મગજને સ્થિર બનાવી રાખવાની ભૂખને કારણે ધોની ટીમમાં ટકી રહ્યો છે : યુવરાજ

માહીનું મગજ તેજ છે, તેને ખબર છે કયારે સીંગલ લેવો અને કયારે મોટો શોટ ફટકારવો

નવી દિલ્હી : ૨૦૧૧ના વર્લ્ડ કપના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિજેતા ખેલાડી યુવરાજ સિંહનું માનવું છે કે પોતાના કૌશલને ચમકાવવા અને રમત દરમ્યાન પોતાના મગજને સ્થિર બનાવી રાખવાની ભૂખ ભારતીય ક્રિકેટ-ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન એમ. એસ. ધોનીને લાંબા સમય સુધી ક્રિકેટ કરીઅરમાં ટકી રહેવામાં મદદ કરી છે.

યુવરાજ સિંહે કહ્યું કે જયારે તમે તમારી ટીમ માટે કેટલાંય વર્ષો સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકયા હો છો ત્યારે તમે તમારા કરીઅરના અંતમાં એટલી જ શાનદાર બેટિંગ નથી કરી શકતા, પરંતુ ધોની હજી પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

ધોનીની સૌથી સારી વાત એ છે કે તેનું મગજ ખૂબ જ તેજ છે અને તેને ખબર છે કે કયારે સિંગલ લેવાનો છે અને કયારે મોટો શોટ રમવાનો છે.

તે હંમેશાંથી જ ખૂબ મહેનતી રહ્યો છે. મને યાદ છે કે ૨૦૧૧ વર્લ્ડ કપમાં સાત દિવસમાં અમારી પાસે બે રજાના દિવસ હતા. ધોનીએ એ તમામ સાત દિવસોમાં પણ બેટિંગ કરી હતી અને અમે કેટલીયે વાર અનુભવીએ છીએ છે કે તે થોડી વધુ જ બેટિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે તે આટલા લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયામાં ટકી રહ્યો છે.

(3:05 pm IST)