Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ડે-નાઈટ ટેસ્ટના મુદ્દે ઓસ્ટ્રેલિયન અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે મતભેદ

સિરીઝ જીતવા માગતુ હોવાથી ભારત પિન્ક બોલથી મેચ રમવાની ના પાડી રહ્યાનો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના સીઈઓનો આરોપ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના એકિઝકયુટીવ ઓફીસર (સીઈઓ) જેમ્સ સધરલેન્ડે કહ્યું હતું કે ભારત આ વર્ષના અંતે થનારી સિરીઝ દરમિયાન પિન્ક બોલથી ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે એટલા માટે ના પાડી રહ્યુ છે કે કારણ કે તે કોઈપણ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર જીત મેળવવા માગે છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ આ પ્રસ્તાવિત મેચને નામંજૂર કરવાના મામલે અડગ છે. સધરલેન્ડે કહ્યુ હતું કે મારા મતે યજમાન દેશને મેચોના કાર્યક્રમ નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ. એ જયારે ઈચ્છે એ સમયે મેચની શરૂઆત કરી શકે છે.

આ મામલે વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું હતું કે મને નથી લાગતુ કે ક્રિકેટ બોર્ડનો અભિગમ બદલાશે, કારણ કે અમે પહેલા જ નક્કી કરી ચૂકયા છીએ કે ડે-નાઈટ મેચો ફર્સ્ટ કલાસ સ્તરે રમાતી રહેશે. દુલીપ ટ્રોફી ફરીથી ડે-નાઈટ જ રમાશે.

રાયે જો કે સ્પષ્ટતા કરી હતી કે આ મામલે કોઈ મોટો ટકરાવ નથી. રમવાના મામલે બંને દેશોના બોર્ડે મળીને નિર્ણય કરવો જોઈએ. જે પણ થશે એ પરસ્પર સંમતિથી થશે.

ઓસ્ટ્રેલિયા ૨૦૧૫થી સતત ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરી રહ્યુ છે. એડીલેડમાં અત્યાર સુધી ત્રણ તો બ્રિસબેનમાં એક ડે-નાઈટ ટેસ્ટ રમાઈ છે. ઓસ્ટ્રેલિયા આ તમામમાં જીત્યુ છે. સધરલેન્ડે કહ્યું હતું કે ભારત રમતના ભવિષ્યને બદલે માત્ર સિરીઝ જીતવા પર જ ધ્યાન આપી રહ્યુ છે. ભારત ભલે આ પ્રવાસમાં એના પ્રસ્તાવને સ્વીકારી નથી રહ્યુ, પરંતુ મારા મતે આ ભવિષ્ય છે. મારા મતે વર્લ્ડ ક્રિકેટમાં બધા જ એને સમજે છે.

(4:13 pm IST)