Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મુંબઈ વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડમેનનો કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં બીસીસીઆઈ મુંબઈની મેચોને અન્યત્ર ખસેડી શકે

મુંબઈઃ ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ આ દરમિયાન મુંબઈ અને દેશમાં વધી રહેલા કોરોના કેસથી આયોજકોની ચિંતા વધી ગઈ છે. ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડમેનનો  કોરોના પોઝિટિવ આવ્યો છે

વાનખેડેમાં આઈપીએલ 2021ની 8-9 મેચો રમાશે. પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં બીસીસીઆઈ મુંબઈની મેચોને અન્યત્ર ખસેડી શકે છે. આ અંગે જોકે હજુ કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. વાનખેડે સ્ટેડિયમમાં 19 ગ્રાઉન્ડમેન કામ કરે છે. તેમના ગત સપ્તાહે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણના 26 માર્ચે પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા અને એપ્રિલ 1ના રોજ વધુ પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે. લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.

આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.

(10:31 am IST)