Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ટીમ ઈન્ડિયાના ત્રિદેવ કયારે ફોર્મમાં આવશે?

પૂજારા, કોહલી અને રાહણેએ મોટી ઈનિંગ રમી મધ્યમ હરોળને મજબૂત કરવાની જરૂર

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ચોથો અને સિરીઝનો અંતિમ ટેસ્ટ રમાનારા છે. ત્યારે ટીમ ઈન્ડિયાની ઈલેવનમાં મધ્યમ ક્રમની બેટીંગ લાઈન ઉપર ખાસ નજર રહેશે. અત્યાર સુધી કોઈ કમાલ બતાવી શકી નથી. ચેતેશ્વર, વિરાટ અને રહાણે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે. જેના લીધે નીચલા ક્રમના બેટ્સમેનો ઉપર દબાણ વધ્યું છે.

ચેતેશ્વર પૂજારા

ટેસ્ટમાં ત્રીજા સ્થાને બેટીંગમાં ઉતરતા અને ધ વોલનું બિરૂદ પામેલા ચેતેશ્વર પૂજારાએ ૩ જાન્યુઆરી ૨૦૧૯ના ઓસ્ટ્રેલીયા સામે ૧૯૩ રનની ઈનિંગ રમી હતી. ૧૮ સદી ફટકારનાર પૂજારા છેલ્લા બે વર્ષથી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે.

ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટમાં તેણે ફકત ૧૧૬ રન બનાવ્યા છે. જેમાં સૌથી વધુ સ્કોર ૭૩ રનનો હતો.

વિરાટ કોહલી

ચોથા સ્થાને આવતા કેપ્ટન વિરાટ કોહલી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટમાં તેણે કુલ ૧૭૨ રન બનાવ્યા છે. ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે તેણે સદી ફટકારી હતી. ત્યારબાદ ૧૧ ઈનિંગમાં મોટો જુમલો નોંધાવી શકયો નથી.

અજીન્કીયા રહાણે

ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજીન્કીયા રહાણે એકધારૂ  સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. રહાણેએ ૨૦૨૦માં ઓસ્ટ્રેલીયા સામે મેલબોર્ન ટેસ્ટમાં જવાબદારી પૂર્વક ઈનિંગ રમી સદી ફટકારી હતી. ત્યારબાદ માત્ર એક ફિફટી ફટકારી છે. છેલ્લી નવ ઈનિંગમાં તે બે આંકડે પણ પહોંચી શકયો ન હતો. રહાણેનું વધારે પડતું ડીફેન્સ કમજોર કડી સાબીત થઈ રહ્યું છે.

(2:41 pm IST)