Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સાથી ખેલાડીઓ મારી ઈર્ષ્યા કરતા હતા : ઈરફાનનો ધડાકો

જો કે વડોદરાના આ ઓલરાઉન્ડરે સચિન અને લક્ષ્મણની ભરપેટ પ્રશંસા કરીઃ ૨૦૦૬માં પાકિસ્તાન સામે મને ત્રીજા ક્રમે બેટીંગમાં મોકલાયો ત્યારે સાથી ખેલાડીઓને આ નિર્ણય નહોતો ગમ્યો, મને કહેવામાં આવતુ કે તુ બદસુરત છો છતાં તને આટલુ મહત્વ કેમ આપવામાં આવે છે?: હાર્દિકની જેમ મને પણ કોચ - કેપ્ટનનો ટેકો મળવો જોઈતો હતો

છેલ્લા છ વર્ષથી ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરી રહેલા ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પોતાના સાથી ખેલાડીઓ પર આરોપ મૂકતા કહ્યું હતું કે હું જયારે ભારતીય ટીમમાં હતો ત્યારે ઘણા ખેલાડીઓ મારી સફળતાની ઈર્ષા કરતા હતા. ઈરફાન પઠાણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ૨૦૦૬માં જયારે પાકિસ્તાન સામે મને ત્રીજા ક્રમાંકે બેટીંગ માટે મોકલવામાં આવ્યો ત્યારે સાથી ખેલાડીઓને એ નિર્ણય ગમ્યો ન હતો. એનો વિરોધ કરતા મેં મને ત્રીજા ક્રમાંકે મોકલવાની માંગણી કરી હતી. મને કહેવામાં આવતુ કે તું બદસુરત છે છતાં તને આટલુ મહત્વ કેમ આપવામાં આવે છે?

ઈરફાને જો કે પોતાના સીનીયર ખેલાડીઓની ઘણી પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણ મારી ઘણી પ્રશંસા કરતા હતા. સચિન કહેતો હતો કે મેં કયારેય તારા જેવો સ્વિંગ બોલર નથી જોયો. તો લક્ષ્મણ કહેતો હતો કે નેટમાં તારી સામે રમવાનો અર્થ ઘૂંટણને ઈજા પહોંચાડવી.

એનો અર્થ એવો હતો કે ઈરફાનને સમસ્યા માત્ર એવા ખેલાડીઓથી હતી જેઓ તેની ઉંમરના હતા અને ટીમમાં સ્થાન પાકુ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

ઈરફાને હાર્દિક પંડ્યાના સવાલનો જવાબ આપતા કહ્યું કે ટીમમાં તેના માટે સૌથી સારી વાત એ છે કે તેને કેપ્ટન અને કોચનું પૂરેપૂરૂ સમર્થન મળી રહ્યુ છે. એને કારણે તેને બહુ જલ્દી પ્રમોશન મળ્યુ છે. જો આવો જ ટેકો મળતો રહ્યો તો તે બહુ જલ્દી સફળતા પણ મેળવશે.

ઈરફાન પઠાણ ભારત તરફથી ૨૯ ટેસ્ટ અને ૧૨૦ વન-ડે મેચ રમ્યો હતો જેમાં તેણે ટેસ્ટમાં ૧ સદી અને હાફ સેન્ચુરીની મદદથી ૧૧૦૫ રન અને ૧૦૦ ીવકેટ લીધી હતી. ૧૨૦ વન-ડેમાં તેણે પાંચ હાફ સેન્ચુરીની મદદથી ૧૫૪૪ રન કર્યા હતા અને ૧૭૩ વિકેટ લીધી હતી.(૩૭.૭)

(11:45 am IST)