Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

૨૦૧૯ના વર્લ્ડકપમાં બાકી રહેલા સ્થાન માટે કાલથી ૧૦ ટીમો વચ્ચે મુકાબલા

શું ઈન્ડિઝ વર્લ્ડકપમાં સ્થાન મેળવી શકશે?

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ - ૨૦૧૯ માટેની કવોલીફાયર ટુર્નામેન્ટ રવિવારથી ઝિમ્બાબ્વેમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમો વર્લ્ડકપમાં પોતાનું સ્થાન બનાવવા માટે એકબીજાને ટક્કર આપશે જેમાંથી ફકત બે જ ટીમ વર્લ્ડકપમાં રમી શકશે. ચારથી ૨૫ માર્ચ દરમિયાન રમાનારી આ ટુર્નામેન્ટની ખાસ વાત એ છે કે તેમાં એક સમયે ક્રિકેટ જગત પર રાજ કરતી અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમને પણ રમવાનુ છે. આ ૧૦ ટીમમાંથી વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત અફઘાનિસ્તાનને દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત આયર્લેન્ડ અને ઝીમ્બાબ્વે પણ અપસેટ સર્જી શકે છે.

 

વર્લ્ડકપ કવોલીફાયર  ટુર્નામેન્ટમાં રમનારી ટીમ

(૧) વેસ્ટ ઈન્ડિઝ (૨) અફઘાનિસ્તાન (૩) ઝિમ્બાબ્વે (૪) આયર્લેન્ડ (૫) નેધરલેન્ડ્સ (૬) નેપાળ (૭) યુએઈ (૮) હોંગકોંગ (૯) સ્કોટલેન્ડ (૧૦) પાપુઆ ન્યુગિની

નેપાળને ઓછુ આંકી શકાય નહિં

નેપાળ ભળે હજી આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં વધારે સફળ રહ્યુ નથી પરંતુ તાજેતરના તેના પ્રદર્શનને જોતા તે અપસેટ સર્જી શકે છે. વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવીઝન ટુમાં તેણે કેટલાક રોમાંચક વિજય નોંધાવ્યા હતા. તેણે કેનેડા વિરૂદ્ધ રમાયેલી મેચમાં અંતિમ બોલે વિજય નોંધાવીને કવોલીફાયર માટે કવોલીફાઈ કર્યુ હતું. ૧૭ વર્ષીય સંદીપ લામીછાને ટીમનું મુખ્ય આકર્ષણ છે. તે આઈપીએલ ટીમમાં સામેલ થયેલો નેપાળનો પ્રથમ ક્રિકેટર છે.

(11:43 am IST)