Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કાલે અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ સેમીફાઈનલ મુકાબલો

કાલે ભારતીય સમય મુજબ બપોરે ૧:૩૦ થી જંગ

બેનોની : સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલ અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમી ફાઈનલમાં આવતીકાલે ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થવાની છે. આ હાઈપ્રેશર ગેમના સંદર્ભમાં પાકિસ્તાનના મોહમ્મદ હુરૈરાનું કહેવુ છે કે તે આ ગેમને નોર્મલ ગેમની જેમ જ રમશે.

 

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ૬ વિકેટે હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હુરૈરાએ એ મેચમાં ૬૪ રન બનાવ્યા હતા. ઈન્ડિયા સામે થનારી મેચ વિશે વાત કરતાં હુરૈરાએ કહ્યું હતું કે ઈન્ડિયા - પાકિસ્તાનની મેચમાં હંમેશા થોડુ ટેન્શન અને પ્રેશર હોય જ છે, પણ હું એનાથી ટેવાયેલો છું. હું પ્રયત્ન કરીશ કે એ મેચને પણ નોર્મલ મેચની જેમ જ રમુ. અમે એ મેચ રમવા ઘણા આતુર છીએ.

 

આંકડા પ્રમાણે જોવા જઈએ તો ઈન્ડિયા અત્યાર સુધી સૌથી વધારે ચાર વખત અન્ડર-૧૯ વર્લ્ડકપ જીતવામાં સફળ રહી છે, જયારે પાકિસ્તાન માત્ર બે જ વાર અન્ડર-૧૯ વર્લ્ડકપ જીતી શકયુ છે. ૨૦૦૬માં કોલંબોમાં પાકિસ્તાને ઈન્ડિયાને ૩૮ રને હાર આપી અન્ડર-૧૯ વર્લ્ડકપ જીત્યો હતો. છેલ્લે ૨૦૧૮માં ઈન્ડિયાએ પાકિસ્તાનને ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં જબરદસ્ત ૨૦૩ રનથી પરાજય આપ્યો હતો.

 

(5:55 pm IST)