Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ધીમી બેટિંગથી નિરાશા થઇ

વરસાદ વિલન બનતા રમતમાં ખલેલઃ સ્મીથના ૪૦ રનઃ ૮૧ ઓવરમાં ચાર વિકેટે માત્ર ૨૦૯ રન થયા

એડિલેડ,તા. ૨: એડિલેડ ઓવલ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ખરાબ હવામાન અને વરસાદ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં ચાર વિકેટે ૨૦૯ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે હેન્ડસકોમ્બ ૩૬ રન અને શોન માર્શ ૨૦  રન સાથે રમતમાં હતા. વરસાદના કારણે નવ ઓવર ઓછી રમાઇ હતી. જો કે યજમાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધીમી  બેટિંગ કરીને તમામને નિરાશ કર્યા હતા.  બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે  ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા. મેન ઓફ દ મેચ તરીકે સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે શાનદાર સદી ફટકારી હતી અને ટેસ્ટ કેરિયરની ૨૦મી સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એસીઝ શ્રેણી જોરદાર રોમાંચક બનવાની સંભાવના દેખાઈ રહી છે. એડિલેડ ઓવલ ખાતેની મેચોના રેકોર્ડની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા માટે કેટલાક સારા રેકોર્ડ રહેલા છે. સ્ટીવ સ્મિથે માહિતી આપતા કહ્યુ છે કે ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આવતીકાલે બીજા દિવસે પણ વરસાદ વિલન ને તેવી શક્યતા છે.

 

 

(7:33 pm IST)