Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઓપનરોની ત્રિપુટી: વિરાટ માટે ‘સુખદ સમસ્યા’

આજથી દિલ્હીમાં સવારે ૯.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે છેલ્લી ટેસ્ટ * પાછા રમવા આવેલા શિખરને વિજયનો સાથી બનાવાશે તો રાહુલ આઉટ: કોટલા પર ભારત ૩૦ વર્ષ પહેલાં રિચર્ડ્સ સામે હાર્યા પછી ક્યારેય પરાજિત નથી થયું

નવી દિલ્હી: બેહદ ચઢિયાતી ભારતની ટીમ નબળા પડી ગયેલા શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં અહીં શનિવારથી રમાનારી ત્રીજી અને આખરી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પ્રવાસી ખેલાડીઓને ફરી પછાડવા તત્પર હશે. પહેલી ટેસ્ટના પહેલા દાવમાં બૅટિંગ નિષ્ફળતા પછી, ભારતીય ઓપનિંગ બેટ્સમેનો શિખર ધવન અને લોકેશ રાહુલે બીજા દાવમાં અનુક્રમે ૯૪ અને ૭૯ રનના વ્યક્તિગત સ્કોર નોંધાવ્યા હતા.

પહેલી ટેસ્ટ માટેની ટીમમાંથી આશ્ર્ચર્યજનકપણે બાકાત રખાયેલ મુરલી વિજયે ધવનની ગેરહાજરીમાં બીજી ટેસ્ટમાં રમી ૧૨૮ રન કર્યા હતા. ધવન હવે ટીમમાં પાછો ફરતા, કેપ્ટન વિરાટ કોહલી માટે ત્રણમાંથી કોઈ બે વધુ સારા ઓપનરની પસંદગી કરવા માટે આનંદદાયક સમસ્યા ઊભી થઈ છે. કોહલી આરામ લેવા ત્રીજી ટેસ્ટમાંથી જો ખસી જતા ઉપરોક્ત ત્રણ બેટ્સમેનને ટીમમાં રમાડવાનો મોકો મળ્યો હોત કારણ કે રાહુલ ચોથા ક્રમે પણ બૅટિંગ કરી શકે છે. પણ, કોહલીની હાજરીમાં ત્રણમાંથી કોઈ એક ઓપનરે ટીમ બહાર બેસવું પડશે અને આવા સંજોગમાં ધવન અને રાહુલની પસંદગી વધુ ઉત્તમ દેખાય છે, પણ પોતાની સારી બૅટિંગ ટેક્નિકના બળે વિજયનો પણ દાવો મજબૂત રહે છે.

એક હિંમતભર્યા નિર્ણયમાં હાલ પોતાના સારા ફોર્મમાં ન રહેતા અજિંક્ય રહાણેને પડતો મૂકવામાં આવે તો ત્રણેને રમવાની તક આપી શકાય છે, પણ ભારતની ટીમના વાઈસ-કેપ્ટનના આત્મવિશ્ર્વાસને તેમાં ધક્કો પહોંચી શકે છે, કારણ કે વિદેશના પ્રવાસમાં રહાણે ભારતની ટીમનો મુખ્ય બેટ્સમેન બની શકે છે. ગઈ મેચના સેન્ચુરીયન રોહિત શર્માને પણ પડતો મૂકી શકાય એમ નથી. ભારત વર્તમાન શ્રેણીમાં ૧-૦થી સરસાઈમાં છે. શ્રીલંકાની મુશ્કેલીમાં તેના પીઢ ડાબોડી સ્પિનર રંગાના હેરાથને થયેલી ઈજાએ વધારો કર્યો છે, કે જે કારણે ટીમની તાકાત એકંદરે ઘણી ઓસરી જવા પામી છે.

કોટલા પર ભારત છેલ્લે ૧૯૮૭માં (૩૦ વર્ષ પહેલાં) વિવ રિચર્ડ્સના સુકાનમાં આવેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે હાર્યું ત્યાર પછીની ૧૧ ટેસ્ટમાં ક્યારેય પરાજિત નથી થયું. આખરી બંને ટીમ નીચેના ખેલાડીઓમાંથી બનેલી હશે. આ ૧૧માંથી ૧૦ ટેસ્ટમાં ભારતની જીત થઈ છે અને એક મૅચ ડ્રૉમાં પરિણમી છે.

 

(8:49 am IST)