Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભારતની સેમિફાયનલની આશા સમિકરણો પર નિર્ભર

ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે તેની પ્રથમ બે મેચ ગુમાવી : ભારત ઊંચા રનરેટ સાથે અફઘાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવે, ન્યૂઝીલેન્ડ-અફઘાન હારે તો આશા

દુબઈ, તા.૨ : ભલે ભારતે વર્લ્ડકપના શરુઆતના રાઉન્ડની પાંચમાંથી ૨ મેચ ગુમાવી દીધી હોય પરંતુ હજુ પણ ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની આશાઓ મરી ગઈ નથી. કેટલાક સમીકરણો બદલાય તો હજુ પણ ભારત વર્લ્ડકપમાં આગળ જવા માટે સક્ષમ છે. ટીમ ઈન્ડિયા ઊંચી રનરેટ સાથે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવે અને ન્યૂઝીલેન્ડ તથા અફઘાનિસ્તાન તેઓની એક મેચ ગુમાવે તો ભારતની સેમિફાઈનલમાં જવાની આશા ફરી જીવતી થઈ શકે છે.

આમ થવું અશક્ય નથી પરંતુ તેના માટે ભારતે આગામી મેચ માટે વધારે ઝળહળતું પ્રદર્શન કરવું પડશે. ભારતે માત્ર બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેમાં વિરોધી ટીમને બાંધવી પડશે. ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ટી૨૦ ક્રિકેટ રમતી વખતે એક જ બાબત યાદ રાખવી જોઈએ.

તમારે આશાવાદી રહેવું જોઈએ, તમારે હકારાત્મક રહેવું જોઈએ અને જોખમની ગણતરી કરવી જોઈએ. જોકે, ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આમાંથી કશું જ કર્યું નહોતું. આઈપીએલ અને તે પહેલા રમાયેલી સીરિઝના કારણે ભારત પાસે ટી૨૦ ક્રિકેટનો બહોળો અનુભવ છે. ભારતીય ટીમમાં ટી૨૦ ફોર્મેટમાં ગજબનું પ્રદર્શન કરનારા ખેલાડીઓ હોવા છતાં ટીમ આ વર્લ્ડકપમાં ઝાંખી પડી રહી છે. આવામાં હવે આગામી મેચોમાં એક નવા જોમ અને જુસ્સા સાથે ટીમ મેદાનમાં ઉતરશે તેવું ફેન્સ માની રહ્યા છે.

ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હાર થયા બાદ ભારતને તે હારમાંથી કંઈક શીખવા માટે લાંબો સમય મળ્યો હતો. જોકે, આમ છતાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડનું પલડું ભારે થઈ ગયું હતું. એક્સપર્ટ્સ જણાવે છે કે જો તમે સતત મેચ જીતતા હોવ તો તમારે બ્રેકની જરુર નથી રહેતી કારણ કે તમે જુસ્સા સાથે વિરોધી ટીમનો સામનો કરતા રહો છો.

પરંતુ જ્યારે તમે હારનો સામનો કરી રહ્યા હોવ ત્યારે બ્રેક મહત્વનો સાબિત થાય છે અને એક નવી પોઝિટિવિટી સાથે ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે, ભારતે પણ પાકિસ્તાન સામે ખરાબ હાર થયા પછી લાંબો સમય મળ્યા બાદ એક નવી એનર્જી સાથે ઉતરવાના બદલે નિરાશા સાથે મેદાનમાં ઉતરીને ધબડકો વાળ્યો હતો. ઘણાં ભારતના તથા વિદેશના પૂર્વ ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાની બોડિ લેંગ્લેજ સામે સવાલ ઉઠાવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે ભારત અફઘાનિસ્તાન સહિત બાકીની બે ટીમો સામે કેવું પ્રદર્શન કરે છે અને ન્યૂઝેલેન્ડની ટીમ આગામી મેચોમાં કેવું રમે છે તે પણ મહત્વનું રહેશે.

(7:45 pm IST)