Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ સિરિઝમાં રાહુલ કેપ્ટન? સિનિયરોને બ્રેક

આવતા મહિને ઘરઆંગણે શરૂ થતી

નવી દિલ્હી,તા.૨: ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમના સાવ ખરાબ પ્રદર્શનથી ચાહકો ભારે નિરાશ થયા છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટી-૨૦ સિરિઝ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવાનો બોર્ડે નિર્ણય લીધો છે. આ સિરિઝ માટે કે એલ રાહુલને કેપ્ટન બનાવવા માટે વિચારણા થઈ રહી છે.

બોર્ડના સૂત્રને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં કહ્યુ હતુ કે, રાહુલ આ જવાબદારી માટે બોર્ડની પહેલી પસંદ છે. રાહુલ કેપ્ટન બનશે તે નિશ્યિત છે અને સિનિયર ખેલાડીઓને અત્યારે આરામની જરૂર છે.ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝ માટે દર્શકોને પણ સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનુ બોર્ડે નક્કી કર્યુ છે. જોકે મર્યાદીત સંખ્યામાં ચાહકોને પ્રવેશ અપાશે.

આ પહેલા બુમરાહે ખેલાડીઓના આરામનો મુદ્દો ઉઠાવીને કહ્યુ હતુ કે, જયારે ખેલાડીઓ સતત ૬ મહિનાથી રમતા હોય ત્યારે બ્રેકની જરૂર પડતી હોય છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી-૨૦ અને બે ટેસ્ટની સિરિઝ ભારત ઘર આંગણે રમવાનુ છે. ટી-૨૦ મેચ ૧૭, ૧૯, ૨૧ નવેમ્બરે અને બે ટેસ્ટ મેચ કાનપુરમાં ૨૫ નવેમ્બરથી અને મુંબઈમાં ૩ ડિસેમ્બરથી રમાશે.

(3:10 pm IST)