Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાકિસ્તાને ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે માંગ્યુ રૂ.૫૧૦ કરોડનું વળતર

૨૦૧૪માં કરવામાં આવેલા ૬ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમવાના કરારનો ભારતે ભંગ કર્યાનો આરોપ : આઈસીસીમાં સુનાવણી

આઈસીસીના હેડકવોર્ટર દુબઈમાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતીય ક્રિકેટ બોર્ડ પર ૨૦૧૪માં કરવામાં આવેલા છ દ્વિપક્ષીય ક્રિકેટ-સિરીઝ રમવાના કરારનો ભંગ કર્યાનો આરોપ મૂકયો છે. એને કારણે ભારત પર ૭૦ મિલ્યન ડોલર એટલે કે અંદાજે ૫૧૦ કરોડ રૂપિયાના વળતરની માગણી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરી છે. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) મુજબ ૨૦૧પથી ૨૦૨૩ દરમ્યાન બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે સમજૂતી થઈ હતી.

બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ બચાવમાં એવી દલીલ કરી હતી કે કરારની શરતો મુજબ જો સરકાર મંજૂરી આપે તો જ આ સિરીઝ રમાશે એ વાતનો ઉલ્લેખ છે, પરંતુ ભારત સરકારે ક્રિકેટ બોર્ડને મંજૂરી ન આપતાં આ સિરીઝ રમાઈ નહોતી.

આ સુનાવણી આવતી કાલ સુધી ચાલશે. આઈસીસીના ચીફ એકિઝકયુટિવ ઓફિસરે ગયા સપ્તાહે બન્ને દેશોને આ વિવાદનો ઉકેલ પરસ્પર સમજૂતીથી લાવવા માટે વિનંતી કરતાં કહ્યું હતું કે આ વિવાદ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેનો છે. આ બન્ને દેશો વચ્ચે ક્રિકેટ-સંબધો ફરી શરૂ થાય તો અમે એનું સ્વાગત કરીશું. આ વિવાદનો ઉકેલ લાવવા અને મધ્યસ્થી કરવા પણ તૈયાર છીએ.

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બન્ને દેશો વચ્ચે માત્ર એક જ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને રાજીવ શુકલાએ ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનને કોઈ પણ જાતનું વળતર ન આપવાની સલાહ આપી છે. રાજીવ શુકલાએ કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડ હંમેશાં પાકિસ્તાન સાથે રમવા ઉત્સુક છે, પરંતુ કેટલીક બાબતો એવી છે જેમાં અમારે સરકાર પાસે મંજૂરી લેવાની  હોય છે.

(3:52 pm IST)