Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ પહેલાં ભારત એક પ્રેક્ટિસ મેચ રમશે

ભારતીય ટીમના કેપ્ટન કોહલીની માગ સ્વિકારાઈ : આ મેચ ૨૦થી ૨૨ જુલાઈ વચ્ચે રમાશે, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રેક્ટિસ મેચ વગર ઊતરી હતી

નવી દિલ્હી, તા. ૨ : ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા એક પણ પ્રેક્ટિસ મેચ વગર જ ન્યૂઝીલેન્ડ સામે રમવા ઉતરી હતી.

ભારતના ફાઈનલમાં થયેલા ભૂંડા પરાજય બાદ પ્રેક્ટિસ મેચના અભાવને લઈને સવાલ ઉભા થયા હતા. હવે એક લાંબા બ્રેક બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમવાની છે ત્યારે તેના પહેલા પ્રેક્ટિસ મેચ રમવાના ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના આગ્રહને ઈંગ્લેન્ડે સ્વીકારી લીધો છે. ટેસ્ટ સિરિઝ પહેલા ભારત ઈંગ્લેન્ડની એક સ્થાનિક ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમશે.

ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદ વિરાટ કોહલીએ પણ પ્રેક્ટિસ મેચની જરૂરીયાત સ્વીકારી હતી અને કહ્યુ હતુ કે, ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિઝ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ રમવા માંગે છે પણ પ્રેકટિસ મેચનુ આયોજન થયુ હતુ. તેને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પ્રેક્ટિસ મેચની માંગણી સ્વીકારી લીધી છે.આ મેચ ૨૦ થી ૨૨ જુલાઈ દરમિયાન રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે તો બે પ્રેક્ટિસ મેચની માંગણી કરી હતી. જેને લઈને શરૂઆતમાં તો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આનાકાની કરી હતી પણ આખરે એક મેચના આયોજન માટે ઈસીબી તૈયાર થઈ ગયુ છે. ઈંગ્લેન્ડમાં હાલમાં તમામ ક્રિકેટ ટીમો કાઉન્ટી ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. ઈસીબીની એક મહત્વાકાંક્ષી ટુર્નામેન્ટ પણ ૨૩ જુલાઈથી શરૂ થઈ રહી છે. જેના કારણે ઈસીબી પ્રેક્ટિસ માચેના આયોજન માટે ખચકાઈ રહ્યુ હતુ. હવે એક મેચનુ આયોજન થઈ રહ્યુ છે ત્યારે આ મેચ ડરહામમાં રમાય તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરિઝ ચાર ઓગસ્ટથી શરૂ થવાની છે.

(7:38 pm IST)