Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

જુનિયર હોકી એશિયા કપ: ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 2-1થી હરાવી જીત્યું ટાઇટલ

નવી દિલ્હી: ઓમાનના સાલાહ શહેરમાં રમાયેલ હોકી જુનિયર એશિયા કપમાં ભારતીય જુનિયર હોકી ટીમે ટાઈટલ જીતી લીધું છે. ગઈકાલે રાત્રે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને ચોથી વખત જૂનિયર એશિયા કપ જીત્યો હતો. ભારત અત્યાર સુધી આ ટુર્નામેન્ટ સૌથી વધુ (ચાર વખત) જીતનાર દેશ બની ગયો છે. આ પહેલા ભારતે વર્ષ 2015, 2008 અને 2004માં જુનિયર એશિયા કપ જીત્યો હતો. આ ખિતાબ જીત પર સમગ્ર ભારતીય ટીમને અભિનંદન આપતા પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેરે કહ્યું કે ખેલાડીઓએ ઉત્તમ ખેલદિલીનું પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. હોકી રમતની આ જુનિયર મેચમાં ભારતીય ટીમની જીતથી સ્પષ્ટ થાય છે કે હોકીમાં ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. તેણે કહ્યું કે આ ટીમના સામૂહિક પ્રયાસોની જીત છે અને દરેક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. મીટ હેરે આ વર્ષે ડિસેમ્બરમાં કુઆલાલંપુરમાં રમાનારી જુનિયર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ સારું પ્રદર્શન કરશે.ઉલ્લેખનીય છે કે સાલાહમાં રમાયેલા જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પૂલ 'A'માં ચાર મેચમાં 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી. સેમિફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાનો 2-1થી પરાજય થયો હતો. ફાઇનલમાં પાકિસ્તાન સામે 2-1થી જીત મેળવી હતી. ભારત માટે અંગદ સિંહે 13મી મિનિટે અને અરયજીત સિંહ હુંદલે 20મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યા હતા. અરજિત સિંહ હુંદલ 8 ગોલ કરીને ટુર્નામેન્ટમાં બીજા નંબરનો ટોપ સ્કોરર રહ્યો હતો. ભારતના ગોલ કીપર એચ.એસ. મોહિતને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરવામાં આવ્યો હતો.

 

(8:12 pm IST)