Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

યુવરાજે મુંબઈમાં કોહલીથી બમણી કિંમતે ફ્લેટ ખરીદ્યો

વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સ્ટાર વિરાટનો પાડોશી બનશે : વિરાટ રહે છે એ બિલ્ડિંગમાં ૬૫ કરોડમાં ફ્લેટ લીધો

મુંબઈ, તા. ૨ :  બે વખત વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચૂકેલો યુવરાજ સિંઘ હવે મુંબઈમાં ફ્લેટ ખરીદી રહ્યો છે. તે હવે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીનો પડોશી બનવા જઈ રહ્યો છે. મુંબઈના વર્લી વિસ્તારમાં વિરાટ કોહલી રહે છે તે ઓમકાર ૧૯૭૩ ટાવર્સમાં જ યુવરાજે ફ્લેટ ખરીદ્યો છે.

વિરાટ કોહલી ૨૦૧૬માં ઓમકાર ટાવરમાં રહેવા આવ્યો હતો. વિરાટનો ફ્લેટ ૩૫મા માળે છે જ્યારે યુવરાજે ૨૯મા માળે ફ્લેટ ખરીદ્યો છે. તેનો ફ્લેટ ૧૬ હજાર ચોરસ ફિટમાં બનેલો છે. જોકે આ ફ્લેટ માટે યુવીરાજે કોહલી કરતાં બમણી કિંમત ચૂકવવી પડી છે. તેણે આ ફ્લેટ ૬૫ કરોડમાં ખરીદ્યો છે. તેણે આ એપાર્ટમેન્ટ માટે એક ચોરસ ફિટ દીઠ ૪૦ હજાર રૂપિયાની કિંમત ચૂકવવી પડી છે. આ જ એપાર્ટમેન્ટમાં કોહલીએ પોતાનો ફ્લેટ ૩૪ કરોડમાં ખરીદ્યો હતો.

ભારતીય વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ વર્લીમાં જ રહે છે. તેણે ૨૦૧૭માં ઘર ખરીદ્યું હતું. તેનો ફ્લેટ છ હજાર ચોરસ ફિટનો છે અને તેના મકાનમાંથી ૨૭૦ ડિગ્રીએ અરબી સમૂદ્ર દેખાય છે. હવે આવતા વર્ષે યુવરાજ અને તેની પત્ની હેઝલ આ ફ્લેટમાં શિફ્ટ થઈ જશે.

(7:38 pm IST)