Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુવરાજસિંહ, હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમમાંથી લઇ શકે છે નિવૃત્તિ

નવી દિલ્હીઃ આગામી વર્લ્ડકપ બાદ ભારતીય‌ ક્રિકેટ ટીમના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ નિવૃત્તિ લઇ શકે છે તેવું અનુમાન ખેલ જગતમાં થઇ રહ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમનું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત ખેલાડીઓના હાથમાં દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાનો મજબૂત દાવો નોંધાવ્યો છે. મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડીઓ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. એવામાં ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે આગામી વર્ષે વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

2019ના વર્લ્ડ કપમાં રમવાની પોતાની ઈચ્છા જાહેર કરનારા ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ માટે આવતું વર્ષ ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે. યુવરાજ સિંહનું બેટ આ વખતની આઈપીએલમાં ચાલ્યું નથી અને જો યુવી આ રીતે આઉટ ઓફ ફોર્મ રહે તો તેનું વર્લ્ડ કપમાં રમવાનું પણ મુશ્કેલ થઈ જશે.

ભારતીય ટીમના અનુભવી સ્પિનર હરભજન સિંહની સ્થિતિ પણ કંઈક યુવરાજ જેવી જ છે. ભજ્જીનો પ્રયાસ ફરી એકવખત ભારતીય ટીમમાં સામેલ થવાની હશે, પરંતુ તેના માટે આ રસ્તો સરળ નહીં હોય. ભજ્જી પણ વર્ષ 2019 વર્લ્ડકપ રમ્યા બાદ ક્રિકેટને અલવિદા કહેવા ઈચ્છશે.

તો આ સીઝનમાં બેટથી બોલરોની ધોલાઈ કરનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે પણ વર્ષ 2019 ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે. ધોની પોતે એ વાતને ઘણી વખત કહી ચૂક્યો છે કે તે હવે એક-બે વર્ષથી વધુ ક્રિકેટ નહીં રમી શકે.

દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન છેલ્લા ઘણા સમયથી ઈજાને કારણે પરેશાન રહ્યો છે. સ્ટેનની જગ્યાએ કાગિસો રબાડા, લુંગી એન્ગિડી અને ક્રિસ મોરિસ જેવા ખેલાડીઓ ટીમે લઈ લીધા છે. સ્ટેન પણ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવાનો વિચાર કરી શકે છે.

પાકિસ્તાનનો 39 વર્ષનો શોએબ મલિક લગભગ 19 વર્ષથી આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. મલિક ગુરુવારે વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં વર્લ્ડ ઈલેવન ટીમમાં પણ ન હતો. મલિકની ફિટનેસ અને ઉંમરને જોતા વર્ષ 2019 તેના ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ માનવામાં આવી રહ્યું છે.

(6:08 pm IST)