Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભારતીય મેન્સ હોકી ટીમના કોચ જોર્ડ મારિજ્નેની હકાલપટ્ટી

નવી દિલ્હી:  ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમ એક પણ મેડલ જીતી શકી નહતી અને નિરાશાજનક રીતે ચોથા ક્રમે રહીને પાછી ફરી હતી. આ પછી સફાળા જાગેલા 'હોકી ઈન્ડિયા'એ મેન્સ હોકી ટીમના કોચ તરીકે નેધરલેન્ડના જોર્ડ મારિજ્નેની હકાલપટ્ટી કરી છે. મારિજ્નેને ફરી પાછી મહિલા હોકી ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંઘને ભારતીય મેન્સ હોકી ટીમના કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે એશિયન ગેમ્સ યોજાવાની છે અને ત્યાર બાદ ભારતમાં જ મેન્સ હોકીનો વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે હોકી ઈન્ડિયા ટીમનો દેખાવ સુધરે તે માટે કટિબદ્ધ છે જેના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. મારિજ્નેને ખરેખર તો ભારતની મહિલા હોકી ટીમના કોચ તરીકે લાવવામાં આવ્યા હતા. જોકે ગત વર્ષે હોકી ઈન્ડિયાએ અચાનક જ રોલાન્ટ ઓલ્ટમાન્સની હકાલપટ્ટી કરી હતી મારિજ્નેને મેન્સ ટીમના કોચ બનાવાયા હતા. ત્યારે જ ઉગ્ર વિરોધ થયો હતો. જોકે હોકી ઈન્ડિયાએ પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે મારિજ્નેની નિયુક્તિને હજુ એક વર્ષ પણ નથી થયું ત્યારે હોકી ઈન્ડિયાને તેની ભૂલ સમજાઈ છે અને તેણે ફરી મારિજ્નેને મહિલા ટીમના કોચ બનાવી દીધા છે, જ્યારે હરેન્દ્ર સિંઘને મેન્સ ટીમની જવાબદારી સોંપાઈ છે. હોકી ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે, હરેન્દ્ર સિંઘ પાસે બહોળો અનુભવ છે. તેઓ હોકી લીગમાં કોચ રહી ચૂક્યા છે અને તેમણે જુનિયર ટીમોના કોચની જવાબદારી પણ સંભાળી છે, જેના કારણે તેઓ મેન્સ હોકી ટીમના ઘણા ખેલાડીઓના માર્ગદર્શક રહી ચૂક્યા છે. મારિજ્નેને કોચ બનાવાયા ત્યારે વિવાદ થયો હતો હોકી ઈન્ડિયાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં અચાનક જ રોલાન્ટ ઓલ્ટમાન્સને મેન્સ ટીમના કોચ તરીકે દૂર કર્યા હતા અને તેના સ્થાને મહિલા ટીમના કોચ મારિજ્નેને ભારતીય મેન્સ ટીમના કોચ બનાવ્યા હતા. તે સમયે મારિજ્નેને મેન્સ હોકી ટીમના કોચિંગનો કોઈ અનુભવ જ નહતો. આ સમયે હોકીના લેજન્ડરી સુપરસ્ટાર્સ અને હોકીના ચાહકોએ આ નિર્ણય સામે વિરોધ તેમજ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. જોકે હોકી ઈન્ડિયા તેના નિર્ણય પણ મક્કમ રહ્યું હતુ. જોકે મારિજ્નેના માર્ગદર્શનમાં ભારતીય મેન્સ હોકી ટીમના કથળતા જતા પર્ફોમન્સ બાદ હોકી ઈન્ડિયાએ તેમને ફરી મહિલા ટીમના કોચ બનાવીને ભુલ સુધારી છે તેમ ચાહકો અનુભવી રહ્યા છે.
 

(4:53 pm IST)