Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ફિડે વર્લ્ડ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ ભારતના અર્વિન્દર પ્રીતે જીત્યો

નવી દિલ્હી: ભારતના અર્વિન્દર પ્રીતે ઈટાલીમાં યોજાયેલી ફિડે વર્લ્ડ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ઈ.સ. ૧૯૨૪થી યોજાતી ફિડે એમેચ્યોર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતનારા માત્ર બીજા ભારતીય તરીકે અર્વિન્દર પ્રીતે રેકોર્ડ બુકમાં નામ નોંધાવી દીધું છે. અગાઉ ઈ.સ. ૧૯૯૮માં ઈંગ્લેન્ડના હેસ્ટિંગ્સમાં ફિડે વર્લ્ડ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશીપ યોજાઈ ત્યારે ભારતના વિરાફ અવારી ચેમ્પિયન બન્યા હતા. ચેસના નોન-પ્રોફેશનલ પ્લેયર્સને આકર્ષવા માટે ફિડેએ શરૃ થયેલી એમેચ્યોર ચેસ ચેમ્પિયનશીપ ત્રણ કેટેગરીમાં યોજાય છે, જેમાંથી અંડર-૨૩૦૦ કેટેગરીમાં અર્વિન્દર પ્રીત ચેમ્પિયન બન્યો હતો. ૪૫ ખેલાડીઓમાં અર્વિન્દરને ૨૬મો સીડ આપવામાં આવ્યો હતો અને તે જબરજસ્ત પર્ફોમન્સ આપતાં ટાઈટલ જીતી લીધું હતુ. ૩૬ વર્ષીય અર્વિન્દર પ્રીત રેલવેમાં ટેકનીશિયન તરીકે સેવા આપે છે અને આ તેની કારકિર્દીની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી. તેણે સંભવિત ૯ માંથી ૭ પોઈન્ટ્સ મેળવતા ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી. જ્યારે કોલંબિયાના ગારાવિતો મિગુલ એન્જલને બીજો ક્રમ મળ્યો હતો. નવમા અને આખરી રાઉન્ડમાં અર્વિન્દર પ્રીત અને મિગુલ એન્જલ ટકરાયા હતા, જેમાં અર્વિન્દરે જીત મેળવતા વર્લ્ડ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી. અગાઉ વર્ષ ૨૦૧૦માં રમાયેલી ફિડે વર્લ્ડ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશીપમાં ભારતના મોહમ્મદ શેખે ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. અર્વિન્દર પ્રીત ઈ.સ. ૧૯૯૬થી ચેસ રમતો આવ્યો છે. તેણે ચાર વખત પંજાબમાં સ્ટેટ ચેમ્પિયશીપ જીતી છે અને તેણે નેશનલ ટુર્નામેન્ટ્સમાં પણ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

(4:53 pm IST)