Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

'વન સ્ટેટ વન વોટ'ના ચુકાદા પર ફેર વિચારણા કરશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં પારદર્શીતા લાવવા માટે સુપ્રીમ કોર્ટે નિમેલી રિટાયર્ડ ચીફ જસ્ટીસ આર.એમ. લોઢાની સમિતિની 'વન સ્ટેટ, વન વોટ'ની ભલામણને દેશની એપેક્સ કોર્ટે જ બીસીસીઆઇમાં અમલી બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે આ અંગેના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે હવે કહ્યું છે કે તે 'વન સ્ટેટ વન વોટ'ના તેના ચૂકાદા અંગે ફેર વિચારણા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે આ અંગે એમ પણ ઊમેર્યું હતુ કે, રાજ્યોમાંના ક્રિકેટ એસોસિએશનો કે જેની ભૂમિકા 'ઐતિહાસિક' રહી છે તેને નજર અંદાજ કરી શકાય નહી. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના નવા બંધારણને આખરી ઓપ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, તેઓ પસંદગીકારોની સંખ્યાને ત્રણ સુધી કદાચ સિમિત ન પણ રાખે. આ ઉપરાંત ભૂતપૂર્વ ટેસ્ટ પ્લેયર જ સિલેક્ટર બની શકે તેવી લાયકાત નિર્ધારણને પણ તેઓ કદાચ જારી ન પણ રાખેે. એપેક્સ કોર્ટે દલીલ કરી હતી કે, પદ્માકર શિવાલકર અને રાજિન્દર ગોયલ જેવા ઘરઆંગણાના ક્રિકેટના દિગ્ગજ સુપરસ્ટાર્સ કે જેઓ ટેસ્ટ રમી શક્યા નથી તેમ છતાં તેમની પાસે ક્રિકેટનો બહોળો અનુભવ છે. જો સિલેક્ટર બનવા માટે ટેસ્ટ રમવાની લાયકાત નક્કી કરવામાં આવે તો ઘણા ડોમેસ્ટીક ક્રિકેટના દિગ્ગજોને અન્યાય થઈ શકે છે.

(4:52 pm IST)