Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પ્રથમ ટેસ્ટમાં દર્શકોની હાજરી સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો વિરોધઃ હવે પ્રેક્ષકો વગર મેચ રમાશે

ઇસીબીને સુરક્ષાની ખાતરી સાથે બીજા મેચમાં પ૦ ટકા પ્રેક્ષકોની હાજરી

ચેન્નઇ : ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝનો પહેલો મેચ, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા લેવાયેલ વાંધા પછી બંધ બારણે પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે. બીસીસીઆઇ અને તમિલનાડુ ક્રિકેટ એસોસીએશન આ મેચમાં અમુક ટકા પ્રેક્ષકોને પરવાનગી આપવા માંગતા હતા પણ ઇસીબીના વાંધા પછી તેમણે પોતાનો નિર્ણય ફેરવ્યો છે.

જો કે ચેન્નઇમાં રમાનાર બીજા મેચ માટે પ૦ ટકા પ્રેક્ષકો સ્ટેડીયમમાં ઉપસ્થિત રહી શકશે. સીરીઝ શરૂ થતા પહેલા આખી સીરીઝ પ્રેક્ષકો વગર રમાડવાની માંગણી ઇસીબી એ કરી હતી. પણ અત્યારની પરિસ્થિતિને જોતા ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેના પ્રથમ મેચમાં કોઇ તકલીફ ઉભી નહીં થાય અને ઇસીબીને સુરક્ષાની ખાતરી થશે તો લીમીટેડ પ્રેક્ષકો અને મીડીયાને બીજા ટેસ્ટમાં પરવાનગી મળશે.

દરમ્યાન, અમદાવાદ ખાતેના ત્રીજા અને ચોથા ટેસ્ટ મેચમાં સ્ટેડીયમમાં પ્રેક્ષકો જોવા મળશે. ખાસ કરીને ત્રીજા ટેસ્ટમાં કેમ કે તે ડે-નાઇટ ટેસ્ટ હશે. બીસીસીઆઇના અધિકારીઓ અનુસાર મોટેરા સ્ટેડીયમના રીનોવેશન પછી રમાઇ રહેલ આ પહેલા મેચ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રીત કરવામાં આવશે.ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પછી પાંચ ટી-ર૦ મેચ ૧ર, ૧૪, ૧૬, ૧૮ અને ર૦ માર્ચે અમદાવાદમાં રમાશે ત્યાર પછી ર૩, ર૬ અને ર૮ માર્ચ એમ ત્રણ વન-ડે પુણેમાં રમાશે.ટેસ્ટ સીરીઝ માટેની ભારતીય ટીમમાં વીરાટ કોહલી (કેપ્ટન), અજીંકય રહાણે (વાઇસ કેપ્ટન), રીષભ પંત (વિ.કી.), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, કે. એલ. રાહુલ, હાર્દિક પંડયા, રિધ્ધમાન સહા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મો. સીરાઝ, શાર્દુલ ઠાકુરના નામો સામેલ છે.

(3:36 pm IST)