Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં જોકોવિકે તાજ જાળવી રાખ્યો

૮મી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો : ફાઇનલમાં ડોમિનિક ઉપર રોમાંચક મેચમાં જીત મેળવી

મેલબોર્ન,તા.૨ : વર્લ્ડ નંબર ૨ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિકે આજે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ઓસ્ટ્રીયાના ડોમિનિક થિયમને હરાવીને આઠમી વખત વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી ઉપર કબજો જમાવ્યો હતો. જોકોવિકે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સ તાજ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ રમી રહેલા ડોમિનિક ઉપર જોકોવિકે રોમાંચક મેચમાં ૬-૪, ૪-૬, ૨-૬, ૬-૩ અને ૬-૪થી જીત મેળવી હતી. બીજા ક્રમાંકિત જોકોવિકે ત્રણ કલાક અને ૫૯ મિનિટ સુધી ચાલેલી આ મેચમાં જીત મેળવી હતી. આ પહેલા જોકોવિકે ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૯માં આ ટ્રોફી જીતી હતી. ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે સતત ત્રણ વખત તે આ ટ્રોફી પોતાના નામ ઉપર કરી ચુક્યો છે.

            ૩૨ વર્ષીય જોકોવિકે ૧૭મી ગ્રાન્ડસ્લેમ જીતી છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.

(9:22 pm IST)