Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હતાશ ભારતીય ટીમ વિજયના ઇરાદાથી ઓસી. સામે ઊતરશે

ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે આજે ત્રીજી ને છેલ્લી વન-ડે :શ્રેણી ગુમાવનારી ભારતીય ટીમને પ્રવાસમાં ટી-૨૦ અને ટેસ્ટ શ્રેણી પૂર્વે મનોબળ મજબૂત કરવાની ખુબ જ તક

કેનબેરા, તા. ૧ : ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ઓસ્ટ્રેલિયાની સાથે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ઓસ્ટ્રેલિયાના પાટનગરમાં સ્થિત માનુકા ઓવલ મેદાન પર રમશે. ભારતીય ટીમ શ્રેણીમાં ૦-૨થી પાછળ છે અને આ મેચમાં જીત મેળવીને શુક્રવારથી શરૂ થનારી ટી ૨૦ શ્રેણી પૂર્વે ટીમનું મનોબળ મજબૂત કરવાનો ઈરાદો ધરાવે છે. સિડનીમાં રમાયેલી પ્રથમ બે વનડે મેચોમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બંને મેચોમાં ઓસ્ટ્રેલિયાએ ૩૫૦ થી ઉપરનો સ્કોર બનાવ્યો અને ભારતને ખરાબ રીતે હરાવ્યું. પ્રથમ મેચમાં ભારત ૬૬ રનથી હાર્યું હતું, જ્યારે બીજી મેચમાં તેને ૫૧ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેનું લક્ષ્ય કેનબેરા ખાતે વિજય મેળવીને આગામી મેચો માટે જરૂરી મજબૂત મનોબળ હાંસલ કરવાનું છે.

યજમાન ટીમ ભારત સામે બંને મેચોમાં રમતના દરેક વિભાગમાં પ્રભાવી સાબિત થયું છે. ભારતીય બોલર્સે બંને મેચોમાં માત્ર ૧૦ વિકેટ ખેરવી છે જ્યારે બોલરોએ ૭૬૩ રન આપ્યા છે. એ દરમિયાન ભારતીય બેટ્સમેનો પર ખૂબ દબાણ રહ્યું હતું. તમામ પ્રયાસો છતાં બેટસમેન્સ ૬૪૬ રન બનાવી શક્યા હતા.. ઓસ્ટ્રેલિયાના બેટસમેન્સે બે મેચોમાં ત્રણ સદી ફટકારી છે જ્યારે ભારતીય બેટ્સમેનોએ એક સદી પણ કરી નથી.

સ્થાનિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા ઓસ્ટ્રેલિયન બોલરોએ આ સિરીઝમાં અત્યાર સુધીમાં ભારતની ૧૭ વિકેટ ઝડપી છે અને તેઓ તેમની ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં સફળ રહ્યા છે. બીજી તરફ બોલરોની નિષ્ફળતા ભારતને મૂંઝવી રહી છે. પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ ૩૭૪ રનની લૂંટવ્યા હતા. બીજી મેચમાં સુધારણાની આશા હતી પરંતુ તે મેચ ભારતીય બોલરો માટે વધુ ખરાબ સાબિત થઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ૩૮૯ રન બનાવ્યા હતા. જેમાં સદી અને ચાર અડધી સદી નોંધાઈ હતી.

પ્રથમ મેચમાં મોહમ્મદ શમી અને બીજી મેચમાં હાર્દિક પંડ્યાને બાદ કરતાં અન્ય કોઈ પ્રભાવ પાડી શક્યું  નહીં. હવે બુધવારે ભારતે નવા મેદાન પર રમવાનું છે પરંતુ વાતાવરણ એક સરખું રહેશે. પ્રથમ મેચ કરતા ભારતીય બેટ્સમેનોએ બીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ મોટી ભાગીદારી અને વિશાળ લક્ષ્યના દબાણથી તેઓ પાછળ પડી ગયા હતા. જેમ સ્ટીવન સ્મિથે બંને મેચોમાં ઓસ્ટ્રેલિયા માટે સદીની ઇનિંગ્સ રમી છે, તે જ રીતે ભારતના કેટલાક બેટ્સમેને લાંબા સમય સુધી પિચ પર રહીને ભાગીદારી કરવી પડશે.

ટી ૨૦ શ્રેણી ૪ ડિસેમ્બરથી શરૂ થશે. તેની આગામી બે મેચ ૬ અને ૮ ડિસેમ્બરે યોજાશે. આ પછી, ૧૭ ડિસેમ્બરથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની પ્રથમ મેચ એડિલેડમાં હશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ હશે. ભારત માટે ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વની છે અને ભારતે બુધવારે પ્રવાસની પ્રથમ જીત મેળવવી પડશે, જેથી તેના માટે જરૂરી ઉત્સાહ સંચિત કરવામાં મદદ મળી શકે. ત્રીજી વનડે ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૧૦ વાગ્યે શરૂ થશે. ભારતમાં, તેનું સોની નેટવર્ક્સની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(9:29 pm IST)