Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ગાંગુલીની અવધિ ૨૦૨૪ સુધી વધે તેવા સ્પષ્ટ સંકેતો

બીસીસીઆઈની એજીએમમાં વિવિધ મુદ્દે ચર્ચા :હોદ્દેદારોની અવધિમાં છુટછાટને મંજુરી : સૂચિત સુધારા સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યા બાદ જ અંતિમ નિર્ણય

મુંબઈ, તા. ૧  : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) આજે પોતાના હોદ્દેદારોની અવધિમાં છુટછાટ આપવાને લીલીઝંડી આપી દીધી હતી. બીસીસીઆઈની અહીં આયોજિત કરવામાં આવેલી એજીએમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. બોર્ડના નિર્ણય બાદ ગાંગુલીની અવધિને પણ વધારવામાં આવનાર છે. હવે સુપ્રીમ કોર્ટની મંજુરી મળશે તો ૨૦૨૪ સુધી ગાંગુલીની અવધિ રહેશે. બોર્ડની એજીએમમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સત્તા ધરાવનાર વહીવટી સુધારાઓને હળવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, આના માટે સુપ્રીમ કોર્ટની મંજુરીની જરૂર રહેશે. વર્ષ ૨૦૦૩ના વર્લ્ડકપની ફાઈનાલિસ્ટ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા ગાંગુલીના બોર્ડ પ્રમુખ બન્યા બાદ પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

          આ બેઠકમાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગાંગુલીની અવધિ પણ હવે વધનાર છે. બોર્ડના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, સૂચિત તમામ પ્રસ્તાવ સુધારાઓને મંજુરી આપી દેવામાં આવી છે. આને સુપ્રીમ કોર્ટની મંજુરી માટે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવનાર છે. જો મંજુરી મળી જશે તો ગાંગુલી ૨૦૨૪ સુધી બીસીસીઆઈના વડા તરીકે રહેશે. ક્રિકેટ ચાહકોમાં દાદા તરીકે લોકપ્રિય સૌરવ ગાંગુલીની છાપ એક આક્રમક બેટ્સમેન તરીકેની રહેલી છે જ્યારે સૌરવ ગાંગુલી બેટિંગ કરતો હતો ત્યારે આકર્ષક છગ્ગાઓ જોવા મળતા હતા. ગાંગુલીના છગ્ગા જોવા માટે ચાહકો ઉત્સુક રહેતા હતા. ઓફસાઈડમાં આક્રમક ફટકાબાજી માટે જાણીતા ગાંગુલીને ૨૦૦૦માં કેપ્ટન બનવાની તક મળી હતી તે વખતે ભારતીય ક્રિકેટને મેચ ફિક્સિંગના આરોપોમાંથી પસાર થવાની ફરજ પડી હતી. ગાંગુલીએ કેપ્ટનશીપ સંભાળી લીધી હતી અને દુનિયામાં એક શક્તિશાળી કેપ્ટનની એન્ટ્રી થઇ ગઇ હતી. વર્લ્ડકપ ૨૦૦૩માં ગાંગુલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ફાઈનલ સુધી પહોંચી હતી. આજે યોજાયેલી બેઠકમાં અન્ય વિવિધ નિર્મય લેવાયા હતા.

           લોઢા કમિટિની ભલામણોને લઇને પણ ચર્ચા થઇ હતી. લોઢા કમિટિને લઇને કેટલાક પાસા બદલવાની પણ વાત થઇ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલા બંધારણ મુજબ જો કોઇ અધિકારી બીસીસીઆઈ અથવા રાજ્ય સંઘમાં ત્રણ વર્ષનો ગાળો પૂર્ણ કરે છે તો તેને ત્રણ વર્ષનો જરૂરી બ્રેક લેવો પડે છે. ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના પાંચ વર્ષ અને ત્રણ મહિના સુધી અધ્યક્ષ રહી ચુક્યા છે. ઓક્ટોબરમાં ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા હતા જેથી તેમનો ગાળો હાલમાં ઓછા સમય માટે વધ્યો છે. મિટિંગમાં લોઢા કમિટિની ભલામણોમાં સુધારો કરીને કુલિંગ ઓફ પિરિયડને ખતમ કરવા પર ચર્ચા થઇ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં આઈસીસીમાં બીસીસીઆઈનું પ્રભુત્વ ઘટ્યું છે. આજે જે પાસા પર ચર્ચા થઇ હતીતે મુજબ જો સુધારાઓને મંજુરી મળશે તો સેક્રેટરી જય શાહને પણ એક્સ્ટેન્શન મળશે. બોર્ડે ગંભીરતાપૂર્વક વિવિધ વિષય પર આજે ચર્ચા કરી હતી.

બીસીસીઆઈ બેઠક....

*   મુંબઈમાં બીસીસીઆઈની એજીએમ બેઠક યોજાઈ

*   એજીએમ બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર વ્યાપક ચર્ચા

*   સૌરવ ગાંગુલીના નવ મહિનાની અવધિને વધારવાની હિલચાલ

*   સુપ્રીમ કોર્ટની મંજુરી મળી જશે તો ગાંગુલીની અવધિ ૨૦૨૪ સુધી રહેશે

*   સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત વહીવટી સુધારાઓમાં છુટછાટ આપવાનો એજીએમની બેઠકમાં નિર્ણય

*   નિર્ણયોને અમલી કરતા પહેલા સુપ્રીમની મંજુરી લેવી પડશે

*   તમામ સૂચિત સુધારાઓને એજીએમમાં મંજુરી મળી છે અને હવે સુપ્રીમ કોર્ટની મંજુરી મેળવવાની રહેશે

*   સૌરવ ગાંગુલી માટે વધુ સારા સંકેતે

(7:48 pm IST)