Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અભિનવ બિન્દ્રા ધ બ્લૂ ક્રોસથી સન્માનિત

નવી દિલ્હી:દિગ્ગજ નિશાનબાજ અભિનવ બિંદ્રાએ વધુ એક સિદ્ધિ પોતાને નામે કરી લીધી છે. અભિનવ બિંદ્રાને શુટિંગના ટોચના સન્માન ધ બ્લૂ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યાં છે. બ્લૂ ક્રોસ સન્માન હાંસલ કરનાર અભિનવ બિંદ્રા પહેલા ભારતીય બન્યાં છે. ભારતના એકમાત્ર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિંદ્રાને શુક્રવારે નિશાનબાજીનું ટોચનું સન્માન પ્રદાન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય નિશાનબાજીની ટોચની સંસ્થા આઈએસએસએફ દ્વારા અપાનાર બ્લૂ ક્રોસ સૌથી મોટું સન્માન છે. અને ૩૬ વર્ષીય બિંદ્રા પહેલા ભારતીય શૂટર છે જેમને આ સન્માન મળ્યું છે. નિશાનબાજીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બિંદ્રાએ કહ્યું કે મને મળેલા સન્માન બદલ ગદગદિત છું. ISSFનું સન્માન મેળવીને સન્માનિત મહેસૂસ કરી રહ્યો છું. એથલેટો અને આઈએસએસએફ માટે કામ કરવું ઘણું સારું રહ્યું. બિંદ્રાએ તેમની કારકિર્દીમાં એક ઓલિમ્પિક ગોલ્ડ, એક વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ અને ૭ કોમનવેલ્થ ગેમ્સ મેડલ જીત્યાં છે. તેમને નામે ૩ એશિયન ગેમ્સ મેડલ પણ છે. ૨૦૦૮માં બેઈજિંગ યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સની ૧૦ મીટર એર રાઇફલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેઓ દેશભરમાં છવાઈ ગયાં હતા.

(6:15 pm IST)