Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

આઈપીએલના પ્રસારણ સમયમાં થશે હવે ફેરફાર

નવી દિલ્હી:મૅચ એક કલાક વહેલી શરૂ કરવાનો પ્રસ્તાવ, ક્રિકેટ બોર્ડે બધી ફ્રૅન્ચાઇઝી સાથે વાત કર્યા બાદ ટીવીપ્રસારણના હકો ધરાવતી સ્ટાર સ્પોર્ટ્સ ચૅનલની મંજૂરીની રાહ જોવાઈ રહી છે  IPLની અગિયારમી સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાત્રિની મૅચ ઘણી વાર પૂરી થતાં મોડું થઈ જતું હોય છે અને એને લીધે સ્ટેડિયમમાં ફૅમિલી સાથે મૅચ જોવા આવતા ચાહકોને થતી અગવડો ઉપરાંત ઘરે બેસીને મોડી રાત સુધી જાગીને મૅચ જોતાં બાળકોનાં માતા-પિતાને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડે મૅચના સમયમાં ફેરફાર કરીને મૅચ એક કલાક વહેલી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બધી ટીમોએ એકમતે ફેરફારને મંજૂરી આપી દીધી છે. ક્રિકેટ બોર્ડે હવે ટીવીપ્રસારણના રાઇટ્સ ધરાવતી સ્ટાર ઇન્ડિયા ચૅનલને પ્રસ્તાવ મોકલ્યો છે. એની પણ મંજૂરી મળી ગઈ તો હવે દિવસની મૅચ ચારને બદલે ત્રણ વાગ્યે શરૂ થશે અને રાતની આઠ વાગ્યાની મૅચ સાત વાગ્યે શરૂ થશે. 
સમય બદલવા માટે એક મોટું કારણ માનવામાં આવે છે કે રાતની મૅચ ઘણી વાર પૂરી થતાં ૧૨ વાગી જતા હતા અને પ્રેક્ષકો સ્ટેડિયમ છોડીને જતા રહેતા હતા. સ્ટેડિયમના પ્રેક્ષકો ઉપરાંત ઘરે બેસીને મૅચ જોતા સ્કૂલ-કૉલેજોના વિદ્યાર્થીઓને પણ ખૂબ પરેશાની થતી હતી તેમ અમુક નાનાં શહેરોમાં રાતે ટ્રાન્સપોર્ટેશનની સગવડો પણ પૂરતી હોવાથી અનેક સમસ્યાઓ સર્જાતી હતી. બધાં કારણોને લીધે ઘણા સમયથી મૅચના સમયમાં ફેરફાર કરવાની માગણી થતી હતી. જોકે હવે IPL ગવર્નિંગ બૉડીએ એને માની લીધી છે.

 

(5:59 pm IST)