Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કોહલી - ધોનીની પગારવધારાની માગણી સ્વીકારાઈ

બદલામાં સી.ઓ.એ. દ્વારા રજૂ કરાયેલા ટૂર પ્રોગ્રામને લગતા માળખા સાથે પ્લેયરોએ સંમતિ બતાવી

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેના પૂર્વગામી મહેન્દ્ર સિંહ ધોનીની ટીમના ખેલાડીઓ માટે પગારવધારાની માગણીને સી. ઓ. એ. (કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ) દ્વારા સ્વીકારવામાં આવી હતી જેના તરફથી ભારતીય ક્રિકેટના ભરચક કાર્યક્રમ બાબતમાં તેઓના અભિપ્રાય પર પણ વિચારણા કરશે. સાથે-સાથે, સી.ઓ.એ. દ્વારા આ પ્લેયરો સમક્ષ જે માળખું બની રહ્યું છે એ સાથે પણ તેઓ સંમત થયા છે. આ માળખું, પગારવધારા સામે અમુક મૅચો તેમણે રમવાની જ હશે એ સંબંધમાં હોવાનું  જણાય છે.

કોહલી અને ધોની સી. ઓ. એ.ના વડા વિનોદ રાય, ડાયના એદલજી તથા બી. સી. સી. આઈ. (બૉર્ડ ઓફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ જોહરીને ગુરુવારે મળ્યા હતા.

બે કલાકથી વધુ ચાલેલી બેઠક પછી રાયે પત્રકારોને જણાવ્યું હતું કે ખેલાડીઓને સીધી લાગેવળગે એવી બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેઓએ રમવાની રહેતી મેચોની સંખ્યા, ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ વગેરેનો સમાવેશ હતો.

એમ પણ આધારપૂર્વક જાણવા મળ્યું હતું કે આવતા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડનારી ભારતની ટીમ ત્યાં બે અઠવાડિયા વહેલી પહોંચશે જેથી ખેલાડીઓ ત્યાંના હવામાન અને સ્થિતિને અનુકૂળ બની શકે. દક્ષિણ આફ્રિકા ખાતેના આગામી પ્રવાસ માટેની તૈયારીમાં અપૂરતા સમય માટે કોહલીની ફરિયાદના પગલે આ નિર્ણય લેવાયો હતો.

ભારતીયોને અત્યારે કેટલા પૈસા મળે છે?

-  અત્યાર સુધીના માળખા મુજબ ગ્રેડ ના પ્રત્યેક ખેલાડીને વર્ષે બે કરોડ રૂપિયાનો, ગ્રેડ બીના દરેક પ્લેયરને એક કરોડ રૂપિયાનો અને સીગ્રેડના ખેલાડીને ૫૦ લાખ રૂપિયાનો પગાર મળે છે.

-  એ ઉપરાંત, ઇલેવનની ટીમના દરેક ભારતીય ખેલાડીને ટેસ્ટ-દીઠ ૧૫ લાખ રૂપિયાની મૅચ-ફી મળે છે તેમ જ એક વન-ડે રમવાના ૬ લાખ રૂપિયા અને એક ટી-ટ્વેન્ટી રમવાના ૩ લાખ રૂપિયા પણ મળે છે.

- ઇલેવનની બહારના દરેક ખેલાડીને ઉપરોક્ત રકમનો અડધો ભાગ મળે છે.

(નોંધ: ભૂતપૂર્વ કોચ કુંબલેએ ગયા વર્ષે ક્રિકેટ બોર્ડ સમક્ષ ગ્રેડ ના પ્રત્યેક પ્લેયરનો પગાર પાંચ કરોડ રૂપિયા કરવાની માગણી કરી હતી)

 

(9:21 am IST)