Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રેડબુલ કેમ્પસ ક્રિકેટના વર્લ્ડ ફાઇનલનો દુબઇમાં પ્રારંભ

પ્લે ઓફ માટે ટીમ ઇન્ડિયા ક્વોલિફાઇ થઇ : ભારતમાંથી ચંદીગઢની ટીમ ડીએવી નેશનલ ફાઇનલ્સ જીતીને ક્વોલિફાઇ થતાં ક્રિકેટજગતમાં ખુશીની લાગણી

અમદાવાદ,તા. ૧ :     વિશ્વભરમાં કોલેજ ક્રિકેટમાં અત્યંત લોકપ્રિય એવી રેડબુલ કેમ્પસ ક્રિકેટ વર્લ્ડ ફાઇનલ ટુર્નામેન્ટનો આખરે દુબઇમાં પ્રારંભ થયો છે. જેમાં પ્લે ઓફ માટે ભારતમાંથી ચંદીગઢની ટીમ ડીએવી(ટીમ ઇન્ડિયા) કવોલિફાઇ થઇ ગઇ છે., જેને પગલે ક્રિકેટજગતમાં અને ચાહકોમાં ભારે ખુશીની લાગણી છવાઇ છે. આ સાથે જ રેડબુલ કેમ્પસ ક્રિકેટ વર્લ્ડ ફાઇનલનો જાદુ વૈશ્વિક કોલેજ ક્રિકેટમાં પણ છવાયેલો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષની રેડ બુલ કેમ્પસ ક્રિકેટની વર્લ્ડ ફાઇનલ્સ માટે યજમાન દેશ તરીકે યુનાઇટેડ આરબ એમિરેટ્સની પસંદગી કરવામાં આવી છે. તા.૨૭ ઓક્ટોબરથી તા.૨ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાનાર લોકપ્રિય સ્પર્ધા કે જે વિશ્વમાં એક માત્ર વૈશ્વિક કોલેજ ક્રિકેટ છે તે મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થી ક્રિકેટર્સને આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ટી-૨૦ ટૂર્નામેન્ટ રમવા માટે પ્લેટફોર્મ ઓફર કરે છે.

            વિશ્વમાંથી સાત ટીમ વર્લ્ડ ફાઇનલ્સનો એક ભાગ છે. જે તે દેશના વિજેતાઓને બે જૂથ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં વહેંચી નાખવામાં આવ્યા છે. ભારતમાં ૩૦ શહેરોમાં આવેલી ૩૫૨ કોલેજીસે રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ૨૦૧૯ની રાષ્ટ્રીય ચેમ્પીયનશિપમાં ભાગ લીધો હતો. પ્રતિષ્ઠિત ટી-૨૦ ટૂર્નામેન્ટના ઇન્ડિયા ચેમ્પીયન્સ તરીકે ઊભરી આવવા માટે કોલેજ ચંદીગઢ ટીમે ઓછો સ્કોર કરનારી હિન્દુસ્તાન કોલેજ ચેન્નઇ ટીમને હરાવી હતી. હવે તેઓ દુબઇમાં વર્લ્ડ ફાઇનલ ખાતે ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની ડીએવી ચંદીગઢે ગ્રુપ એમાં ૩ અન્ય ટીમો જેમ કે યુએલએ બાંગ્લાદેશ, એમસીસી યુનિવર્સિટી લિડ્ઝ બ્રાડફોર્ડ અને દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ પ્રિટોરીયાનો સામનો કર્યો હતો. ભારતની ટોચની ક્રિકેટીંગ કોલેજે યુએલએ બાંગ્લાદેશ અને ઇંગ્લેંડની એમસીસી યુનિવર્સિટી લિડ્ઝ બ્રાડફોર્ડ સામે જીત મેળવીને ક્રિકેટ વર્લ્ડ ફાઇનલ ૨૦૧૯માં પ્લેઓફ માટે ક્વોલિફાઇ થઇ છે.

                  જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા અને યુએઇને ગ્રુપ બીમાં મુકવામાં આવી છે. આખરી પરિણામો જોઇએ તો, મેચ ૧માં, ડીએવી ચંદીગઢે યુએલએ બાંગ્લાદેશને ૧૦૧ રનથી હરાવી હતી જયારે બીજી મેચમાં ડીએવી ચંદીગઢે એમસીસી યુનિવર્સિટી લિડ્ઝ બ્રાડફોર્ડ, ઇંગ્લેંડને ૩૩ રનથી હરાવી હતી. ગ્રુપ એમાં જોઇએ તો દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ પ્રિટોરીયા બે રમતમાં બે જીત સાથે ૩.૯૨૫ના ચોખ્ખા ઊંચા રન રેટ સાથે ટોચ પર છે. ભારતની ડીએવી ચંદીગઢ બે જીત સાથે તેમજ ૩.૩૫ના ચોખ્ખા રન રેટ સાથે બીજા ક્રમે છે. એમસીસી યુનિવર્સિટી લિડ્ઝ અને યુએલએ બાંગ્લાદેશ અનુક્રમે ત્રીજા અને ચતુર્થ ક્રમે છે કેમ કે તેમણે હજુ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવાનું બાકી છે. દક્ષિણ આફ્રિકા અને ભારત બન્નેએ પોતાની રમત જીતી લેતા પ્લે ઓફ માટે ક્વોલિફાઇ થઇ છે અને તેઓ હવે આગામી રમતમાં ટોચનો ક્રમ હાંસલ કરવા માટે ટકરાશે. ગ્રુપ બીમાં પાકિસ્તાન શ્રીલંકા અને યુએઇને હાર આપીને પ્લેઓફ માટે ક્વોલિફાઇ થયું છે, જ્યારે શ્રીલંકાએ યુએઇને ૬૬ રને હરાવી દેતા પ્લે ઓફ માટે ક્વોલિફાઇ થનારી બીજી ટીમ બની હતી.

(9:14 pm IST)