Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટમાં રિષભ પંતની જગ્યા રિદ્ધિમાન સાહા લેશેઃ વિરાટ કોહલીની જાહેરાત

વિશાખાપટ્ટનમઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે કહ્યું કે, આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં રિષભ પંતની જગ્યા રિદ્ધિમાન સાહા લેશે. કોહલીએ કહ્યું કે, બંગાળનો ક્રિકેટર સાહા 'વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર' છે. સાહા ઈજાને કારણે છેલ્લા ઘણા સમયથી ટીમથી બહાર રહ્યો અને ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ મેચોની સિરીઝમાં તેણે ટીમમાં વાપસી કરી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ બુધવારથી વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટ રમાશે.

... હા, સાહા ફિટ છે અને રમવા તૈયાર છે

સાહાને વિન્ડીઝના પ્રવાસ પર રમવાની તક ન મળી અને બંન્ને મેચોમાં રિષભ પંતે વિકેટકીપિંગ કર્યું હતું. કોહલીએ પ્રથમ ટેસ્ટ પૂર્વે કહ્યું, 'હા, સહા ફિટ છે અને રમવા માટે તૈયાર છે, તે અમારા માટે સિરીઝની શરૂઆત કરશે. તેની વિકેટકીપિંગથી બધા જાણીતા છે. તેને જ્યારે તક મળી, તેણે બેટથી પણ સારૂ પ્રદર્શન કર્યું છે. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે, તે ઈજાને કારણે બહાર રહ્યો હતો. મારા અનુસાર તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. આ સ્થિતિમાં તે અમારા માટે સિરીઝની શરૂઆત કરશે.'

સાહાએ પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2018મા આફ્રિકા વિરુદ્ધ રમી હતી. તેની ગેરહાજરીમાં પંતે જવાબદારી સંભાળી અને ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સદીની સાથે રમતના મોટા ફોર્મેટમાં તે ટીમની પ્રથમ પસંદ બની ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી પંતે શોટ્સની પસંદગીને લઈને ટીકાનો સામનો કરવો પડ્યો અને લગભગ આ કારણ છે કે ટીમ મેનેજમેન્ટે સિરીઝની શરૂઆત સાહાની સાથે કરવાનો નિર્ણય કર્યો છે.

34 વર્ષીય સાહાએ છેલ્લે જાન્યુઆરી 2018મા ટેસ્ટ મેચ રમી હતી. સાહાએ 32 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 30.63ની એવરેજથી 1164 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં વિકેટકીપર તરીકે અત્યાર સુધી 75 કેચ લીધા છે અને 10 સ્ટમ્પ કર્યાં છે. કેપ્ટન કોહલીએ તે પણ ખાતરી કરી કે સ્ટાર ઓફ સ્પિનર અશ્વિન વિશાખાપટ્ટનમમાં વાપસી કરશે. અશ્વિન અને જાડેજાની સાથે વિહારી ત્રીજા સ્પિનનો વિકલ્પ હશે. બીજીતરફ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સ્થાને ટીમમાં સામેલ થયેલ ઉમેશ યાદવને અંતિમ-11મા સ્થાન મળ્યું નથી.

ઓફ સ્પિનર અશ્વિનને તક

સતત પાંચ ટેસ્ટથી બહાર રહ્યાં બાદ 33 વર્ષીય અશ્વિનને રમવાની તક મળશે. છેલ્લે તે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં રમ્યો હતો. ડિસેમ્બરમાં એડિલેટ ટેસ્ટમાં કુલ છ વિકેટ (3+3) લીધા બાદ મેચના ચોથા દિવસે તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી પણ બહાર રહ્યો હતો.

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણા (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.

(4:55 pm IST)