Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

20 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં જીત્યું મેડલ

નવી દિલ્હી: ભારતને ૧૮મી એશિયન ગેમ્સમાં શુક્રવારે મહિલા હોકી ટીમમાં સિલ્વર મેડલ મળ્યો હતો. જાપાન સામે રમાયેલી ફાઈનલમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો. તેની સાથે જ ભારતનું ૩૬ વર્ષના ઈતિહાસમાં ગોલ્ડ જીતવાનું સ્વપ્ન અધુરું રહ્યું હતું. ભારતે ૧૯૮૨ના દિલ્હી એશિયાડમાં ગોલ્ડ જીત્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં ૯મા ક્રમાંકની ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં ૨૦ વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે આમ ૨૦ વર્ષે મહિલા હોકીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતે આ મુકાબલામાં જો જાપાનને પરાજય આપ્યો હોત તો ટોકિયો ઓલિમ્પિક માટે તેનું સીધું નોમિનેશન થઈ જાત. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૨માં એશિયન ગેમ્સમાં મહિલા હોકીને સ્થાન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ પહેલી વખત જાપાન ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ ૧૯૯૮માં બેંગકોક એશિયન ગેમ્સમાં હોકીની ફાઈનલમાં પહોંચી હતી. ત્યારે કોરિયા સામે તેનો ૧-૨થી જ પરાજય થયો હતો. ૨૦ વર્ષ બાદ પણ આ જ ઈતિહાસનું પૂનરાવર્તન થયું છે. જાપાન તરફથી મોતોમી કવામુરા અને ઓઈકારા શિહોરી જ્યારે ભારત તરફથી નેહા ગોયલે ગોલ કર્યા હતા.

(5:38 pm IST)