Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મેચ દરમિયાન દર્શક ઉપર થૂંકવા બદલ કિર્ગિયોસને દંડ

ઓસી.નો ખેલાડી નિક કિર્ગિયોસની મુશ્કેલીમાં વધારો : આ ટુર્નામેન્ટમાં ૧૦,૦૦૦ ડોલરનો દંડ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે, નિક કિર્ગિયોસે પોતાનો ગુનો સ્વીકાર્યો

લંડન, તા.૧ : ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કિર્ગિયોસ મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. તેમની પર વિમ્બલડન ટુર્નામેન્ટ દરમિયાન મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ દરમિયાન નિક કિર્ગિયોસે એક દર્શક પર થૂંક્યુ હતુ. તેમની પર ટુર્નામેન્ટનો સૌથી મોટો દંડ ફટકારાયો છે.

ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી નિક કિર્ગિયોસ પર વિંબલડન ટેનિસ ગ્રેંડસ્લેમમાં પહેલા તબક્કાની જીત દરમિયાન રમતગમતની વિરુદ્ધનું વર્તન કરવા માટે ૧૦,૦૦૦ ડોલરનો દંડ ફટકારાયો છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી જાહેર કરવામાં આવેલો સૌથી મોટો દંડ છે. નિક કિર્ગિયોસે પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો છે. કિર્ગિયોસે પહેલા તબક્કાની મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર કર્યો હતો કે તેઓ હેરાન કરી રહેલા દર્શકો તરફ થૂંક્યા હતા.

ગુરૃવારે ઓલ ઈંગ્લેન્ડ ક્લબે મેચ દરમિયાન લાગેલા દંડની રકમની જાહેરાત કરી. કિર્ગિયોસ બાદ એલેક્ઝાન્ડર રિટ્સચાર્ડ પર ૫,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો, જે ક્વોલિફાઈંગમાં પહેલા તબક્કાની મેચ દરમિયાન તેમના રમતગમતની વિરુદ્ધનું વર્તન કરવા માટે લગાવાયો હતો.

સાત અન્ય ખેલાડીઓ પર ત્રણ-ત્રણ હજાર ડોલરનો દંડ લગાવાયો છે જે રમતગમત વિરુદ્ધનુ વર્તન કરવા કે અશ્લીલ શબ્દ કહેવા માટે લગાવાયો. કુલ પાંચ મહિલા ખેલાડીઓ પર દંડ લગાવાઈ ચૂક્યો છે. જેમાં સૌથી મોટી રકમ દારિયા સાવિલે પર પહેલા તબક્કામાં ૪,૦૦૦ ડોલરનો હતો જે રેકેટ અથવા સાધન પછાડવા સંબંધિત હતો.

(8:44 pm IST)