Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

૧ર વર્ષનો ટેણીયો બન્યો ચેસનો બાદશાહ

મુળ ભારતનો અભિમન્યુ મિશ્રા બન્યો દુનિયાનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર

નવી દિલ્હી, તા. ૧ : કહેવાય છે ચેસ એક એવી રમત છે, જેમાં સારા-સારાનો મગજ ફેલ થઇ જાય છે. પરંતુ ૧૨ વર્ષીય અભિમન્યુ મિશ્રાએ ચેસનો ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. જી હાં, ભારતીય મૂળના ૧૨ વર્ષીય અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રા વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યા છે. આ મામલે તેમણે રશિયાના ગ્રાન્ડમાસ્ટર સર્જી કર્જાકિનના નામ પર ૧૯ વર્ષ પહેલા નોંધાયેલો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અભિમન્યુ મિશ્રાએ બુડપેસ્ટમાં આયોજિત ગ્રાન્ડમાસ્ટર ટુર્નામેન્ટમાં ભારતના ગ્રાન્ડમાસ્ટર લિયોનને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓએ કાળા મોહરાથી રમીને લિયોનને મ્હાત આપી અને ૨૬૦૦ રેટિંગ પોઇન્ટ મેળવ્યા.

આ પહેલાં નવેમ્બર ૨૦૧૯માં અભિમન્યુ (૧૦ વર્ષ, ૯ મહિના, ૩ દિવસ) વિશ્વના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યા હતા. ત્યારે તેમણે ભારતના આર પ્રાગનંદા (૧૦ વર્ષ, ૯ મહિના, ૨૦ દિવસ)નો રેકોર્ડ તોડ્યો હતો.

કોવિડ -૧૯ રોગચાળાને કારણે અભિમન્યુ મિશ્રાએ છેલ્લા ઘણા મહિનાઓથી ઓવર-ધ બોર્ડ કોઈ ઇવેન્ટ રમી નહોતી. પરિસ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થતાં અભિમન્યુ મિશ્રાએ થોડી ટુર્નામેન્ટોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને આ વર્ષે માર્ચમાં તેમની ઇએલઓ રેટિંગ ૨૪૦૦ને વટાવી ગઈ, તેમના પિતા હેમંત ન્યૂજર્સીમાં એક સોફટવેર એન્જિનિયર છે.

(3:58 pm IST)