Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગુરૂવારથી અંતિમ ટેસ્ટઃ રનોના ઢગલા બનશે

અમદાવાદમાં ટી-૨૦ સિરીઝ અને IPLપણ રમાનાર હોય મેનેજમેન્ટ કોઈ રીસ્ક લેવા માંગતુ નથી : ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની ટિકિટ પાકીઃ છેલ્લો ટેસ્ટ ડ્રો જવાની પૂરી સંભાવના

નવીદિલ્હીઃ મોટેરાના સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂરી થતાં અનેક ભૂતપૂર્વ ખેલાડીઓ પિચને વગોવી રહ્યા છે અને એને ટેસ્ટ ક્રિકેટ માટે જરાય લાયક ન હોવાનું કહી રહ્યા છે. જોકે આ કાગારોળ છતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) કોઈ કડક પગલાં લે એની શક્યતા ખૂબ ઓછી છે, કેમ કે એ જ મેદાનમાં આગામી ચોથી ટેસ્ટ માટેની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ બની રહેવાની શક્યતા છે.

ભારત આ સિરીઝમાં ૨-૧થી આગળ છે અને ૧૮થી ૨૨ જૂન દરમ્યાન લોર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા ભારતે આ ચોથી ટેસ્ટ ફકત ડ્રો કરવાની જ જરૂર હોવાથી ટીમ મૅનેજમેન્ટ કોઈ રિસ્ક લેવાના મૂડમાં નથી. વધુ એક ર્ટનિંગ ટ્રેક બનાવે અને વધુ ટીકા બાદ આઇસીસી કોઈ પગલાં લે અને પૉઇન્ટ કાપી નાખે તો ભારતનો ફાઇનલમાં પ્રવેશ અટકી જવાનો ખતરો છે એથી સલામત ગેમ રમતાં આગામી મૅચમાં પિચ સપાટ, સખત અને બેટ્સમેન-ફ્રેન્ડ્લી જ રહેશે.

ક્રિકેટ બોર્ડના માંધાતાઓ પણ વધુ એક ર્ટનિંગ ટ્રેક બનાવીને આ નવા વેન્યુના નામને ધબ્બો લગાડવાના મૂડમાં નથી, કેમ કે અહીં આઇપીએલ ઉપરાંત ટી૨૦ વર્લ્ડ કપની મેચો પણ યોજાવાની છે.

ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો એક મેદાનમાં બે મૅચ રમાય તો એક મૅચના પરિણામને અલગથી મૂલવી ન શકો, એથી ચોથી ટેસ્ટ પૂરી થવા દો અને ત્યાર બાદ રેફરી જાવાલગ શ્રીનાથના રિપોર્ટના આધારે આઇસીસી એને જે કાર્યવાહી કરવી હોય એ કરશે. બીજું, ઇંગ્લૅન્ડની ટીમે તો અત્યાર સુધી કોઈ ઑફિશ્યલ ફરિયાદ પણ નથી કરી.'

(4:30 pm IST)