Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ભારતીય ટીમ વર્લ્ડકપની પ્રબળ દાવેદાર

ગાંગુલીના નેતૃત્વવાળી ટીમની બોલીંગને ગણાવી હતી નબળી : ટેકસને મામલે છૂટ ન મળી હોવા છતાં ૨૦૨૧નો ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩નો વન-ડે વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : ડેવિડ રિચર્ડસન

આને એક સંયોગ જ કહી શકાય કે જે દિવસે ભારતીય ટીમ છેલ્લાં આઠ વર્ષના પોતાના સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ એ જ દિવસે આઈસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડસને ઇંગ્લેન્ડમાં આયોજિત થનારા વર્લ્ડ કપમાં ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાવી હતી. ભારતીય ટીમ ન્યુ ઝીલેન્ડમાં ચોથી વન-ડેમાં માત્ર ૯૨ રનમાં જ આઉટ થઈ ગઈ, પરંતુ દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં આવેલા રિચર્ડસને આ વાતને બહુ મહત્ત્વ નહોતું આપ્યું. તેણે આ મામલે પૂછવામાં આવેલા સવાલને એમ કહીને ટાળી દીધો કે દરેક ટીમનો પોતાનો દિવસ હોય છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેને વર્તમાન ભારતીય ટીમને ખૂબ જ સંતુલિત ગણાવી હતી. તેણે યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે વિરાટ કોહલીની ટીમને પણ ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાવી હતી. રિચર્ડસને કહ્યું હતું કે વર્લ્ડ કપમાં દસ શ્રેષ્ઠ ટીમ ભાગ લેશે. ભારત અત્યારે ઘણી રેન્કિંગમાં ટોચની ટીમ છે. સાઉથ આફ્રિકા સારી રમતનું પ્રદર્શન કરી રહ્યું છે. ઇંગલેન્ડ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે. વર્લ્ડ કપ કોણ જીતશે એની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.

તેણે કોહલીની ટીમની સૌરવ ગાંગુલીની અધ્યક્ષપદવાળી ટીમ સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે ભારતે છેલ્લા ચાર - પાંચ વર્ષમાં જે પ્રકારની પ્રગતિ કરી છે એ શાનદાર છે. સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ પણ ઘણી મજબૂત હતી. આ ટીમમાં વિરેન્દર સેહવાગ, સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડ જેવા શાનદાર બેટ્સમેનો હતા, પરંતુ એની બોલીંગ થોડી નબળી હતી. એથી ઘણી વખત અપેક્ષા મુજબનું પરિણામ મેળવી શકી નહોતી.

આઈસીસીની ટુર્નામેન્ટના આયોજન દરમિયાન ટેકસમાં લાભ ન મળતા ભારતની યજમાની પર ખતરાના મામલે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે અમારા માટે રૂપિયા મહત્વના છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આને કારણે ભારતની યજમાની પર ખતરો છે. ભારત ૨૦૨૧માં થનારા ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩ના વન-ડે વર્લ્ડકપની યજમાની કરશે. આઈસીસીની મોટાભાગની ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમા રાખવામાં આવતાં હતાં, પરંતુ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયામાં થનારા ટી૨૦ વર્લ્ડ કપમાં આવું જોવા નહીં મળે. આ મામલે રિચર્ડસને કહ્યું હતું કે અમે રેન્કિંગના આધારે ગ્રુપ બનાવ્યું છે જેમાં પાકિસ્તાન પ્રથમ તો ભારત બીજા ક્રમાંકે હતું. એથી બન્નેને અલગ-અલગ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. ગ્રુપની વિશ્વસનીયતાને યથાવતું રાખવા માટે અમે રેન્કિંગનો આશરો લઈએ છીએ. બન્ને ટીમ સેમી ફાઇનલ અથવા ફાઇનલમાં ટકરાઈ શકે છે.

(4:17 pm IST)