Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

તેન્ડુલકરે તેના સૌથી મોટા ચાહક સુધીર ગૌતમને ઓસ્ટ્રેલિયા મોકલ્યો

માથામાં ભારતનો નકશો અને ચહેરા પર અને સમગ્ર શરીરને ભારતના તિરંગાથી રંગી ક્રિકેટના મેદાનમાં હાજર રહેતો ભારતીય ટીમનો ચાહક સુધીર ગૌતમ હવે ઓસ્ટ્રેલિયાના મેદાનમાં પણ દેખા દેશે.

મુંબઈથી દિલ્હી થઈ સીડની જવા રવાના થયેલો સુધીર ગૌતમ ૩ જાન્યુઆરીથી રમાનારી ચોથી ટેસ્ટ મેચ અને બાકીની ત્રણ વન-ડેમાં ભારતીય ટીમને ચિયર કરશે.

સુધીર ગૌતમે એરપોર્ટ પરથી વાતચીત કરતાં જણાવ્યુ હતું કે સિડની ખાતેની ચોથી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીતે તો શ્રેણી બે-બેની બરોબર થાય. હું ઈચ્છું છું કે ભારત આ ટેસ્ટ મેચ અને શ્રેણી પણ જીતી જાય. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સુધીર ગૌતમની ટીકીટ અને વિઝાનો ખર્ચ સચિને ઉપાડ્યો છે. લિટલ માસ્ટર સચિન તેન્ડુલકરના ક્રિકેટ રમવાના દિવસોથી સુધીર ગૌતમ તેનો અનહદ ચાહક રહ્યો છે.

સુધીરે કહ્યું હતું કે મેં સચિન સરને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મને મોકલવા માટે વિનંતી કરી હતી. તેઓએ મને ટીકીટ અને વિઝા કરાવી આપ્યા. ઓસ્ટ્રેલિયામાં મારો રહેવાનો અને ખાધા ખોરાકીનો ખર્ચ ત્યાંના મિત્રો ભોગવશે. ૨૧ જાન્યુઆરીએ મેલબર્નથી ભારત પાછા ફરવાની મારી ટીકીટ બુક થયેલી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા બાદ ભારતીય ટીમ જોડે ન્યુઝીલેન્ડના પ્રવાસે જવા પણ ઉત્સુક છે. રોહિત શર્મા અથવા શિખર ધવનને ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ લઈ જવા માટેનો મારો ખર્ચ ભોગવવા વિનંતી કરીશ. જો તેઓ આ માટે તૈયાર થશે તો ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ પણ જઈશ.

(3:38 pm IST)