Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ચલાલા દાનેવધામના મહંતશ્રી વલકુબાપુના પૌત્રના શુભલગ્ન

લગ્નોત્સવને ઉજવવા નગરજનોમાં અનેરો થનગનાટ : શ્રી વલકુબાપુની ઇચ્છા અનુસાર સાદગીથી સામૈયા કરાશે

અમરેલી તા. ૧૪ : ચલાલામાં જગવિખ્યાત પૂજ્ય દાનબાપુની જગ્યાના મહંતશ્રી વલકુબાપુના પૌત્ર અને જગ્યાના લઘુમહંતશ્રી મહાવીરબાપુના સુપુત્ર બાલઠાકર ચિ. પ્રયાગરાજજીના શુભલગ્ન બાબરિયાવાડના ગૌરવ અને આદરણીય એવા રાજુલાના વડ નિવાસી શ્રી પીઠુભાઇ ભીમભાઇ બોરીચાની સુપુત્રી ચિ. ભવાનીદેવી સાથે તા. ૧૫-૫-૨૦૧૯ના બુધવારે નિર્ધારેલ છે.

ચલાલા ખાતે મંડપ મુહૂર્ત તા. ૧૪ના સવારે ૯ કલાકે અને સંગીત સંધ્યા રાત્રે ૮ કલાકે તથા તા. ૧૫ના બપોરે ૩.૩૦ કલાકે જાનપ્રસ્થાન થશે અને સાંજે ૭ કલાકે મંગલ પરિણય યોજાશે. આ લગ્નોત્સવમાં પૂ. વલકુબાપુના સેવક સમુદાય અને સગા-સ્નેહીઓ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો, રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહીને નવદંપતિને શુભકામનાઓ પાઠવશે. આ લગ્નોત્સવને લઇને સમગ્ર ચલાલા પંથકમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે.

આ સાથે શ્રી વલકુબાપુની ઇચ્છા અને આજ્ઞા અનુસાર ધર્મની ગરીમા જાળવીને સાદગીથી સામૈયા કરવામાં આવશે. ફટાકડા ફોડવાની, નૃત્ય કરવાની, હથિયારોનો ઉપયોગ કરવાની, ઢોલી પર પૈસા ઉડાડવાની તેમજ ઘોડાઓ લાવવાની ના પાડી છે.

(11:15 am IST)