સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st December 2020

મોરબી ભીમરાવનગરમાં પરિણીતાના આપઘાત મામલે સાસરિયાઓ સામે ફરિયાદ

મોરબી તા. ૩૧ : મોરબીના ભીમરાવનગરમાં રહેતી પરિણીતાએ તાજેતરમાં આપઘાત કર્યો હોય જે આપઘાત મામલે મૃતકના પિતાએ સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા જયંતીભાઈ ભીમજીભાઈ શેખવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી પાયલને આરોપી ગીતાબેન મહેશભાઈ ચૌહાણ, પુનમબેન મહેશભાઈ ચૌહાણ, પુજાબેન હિતેશભાઈ સોલંકી અને નીતિનભાઈ મહેશભાઈ ચૌહાણ રહે ચારેય ભીમરાવનગર મોરબી વાળાએ રસોઈ કામ તેમજ કરિયાવર બાબતે અવારનવાર દુખ ત્રાસ આપી મ્હેણાં ટોણા મારી તેની દીકરીને મરવા મજબુર કરતા તા. ૨૪ ના રોજ પાયલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બી ડીવીઝન પોલીસે મરવા મજબુર કર્યાની સાસરિયાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

જાંબુડિયા ગામે પાણી મામલે પાડોશીઓ બાખડ્યા

મોરબીના જાંબુડિયા ગામે રહેતા રંજનબેન સુરેશભાઈ સાગઠીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રોજ પાડોશમાં રહેતા જેરામભાઈ અને નિકિતાબેનને પાણી બાબતે બોલાચાલી થતી હોય અને રંજનબેનની દીકરી બહાર આવતા આરોપીઓ હસું ભગુ પારધી, ભરતનો દીકરો, ભાનુબેન તેની પત્ની, રેખાબેન તેની દીકરી રહે બધા ધર્મસિદ્ઘિ સોસાયટી જાંબુડિયા તા. મોરબી વાળાએ ગાળો બોલી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોલેરો કાર ચાલક સામે પશુ ઘાતકીપણાનો ગુન્હો

મોરબી નજીકથી ગૌરક્ષકોની ટીમે નાગડાવાસ ગામ નજીકથી ખીચોખીચ પશુ ભરેલી બોલેરો પીકઅપ કાર ઝડપી લીધી હતી જે મામલે કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રહેવાસી પાર્થ નેસડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બોલેરો પીકઅપ કાર જીજે ૧૦ વાય ૪૬૧૩ ના ચાલક નાના પાડા જીવ નંગ ૧૧ ના બોલેરો ગાડીમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા નહિ રાખી ખીચોખીચ હલનચલન ના કરી શકે તે રીતે દોરડાથી બાંધીને લઇ જતો અને ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકી નાસી ગયાની ફરીયાદ નોંધાવી છે તાલુકા પોલીસે પશુ ઘાતકીપણા એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:54 pm IST)