સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th April 2018

ગોંડલમાં ૪૦ લાખની ચોરી કરનાર તસ્કર ગેંગ ઝબ્બે

૪ સાગ્રીતોને ૧૯.૩૦ લાખની રોકડ રકમ સાથે ગોંડલ પોલીસ અને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધાઃ મુખ્ય સૂત્રધાર અબ્દુલ ઉર્ફે બાદશાહની શોધખોળ : ચોરી કર્યા બાદ તસ્કર ગેંગે રોકડ રકમના ભાગ પણ પાડી લીધા'તાઃ મુખ્ય સૂત્રધાર અબ્દુલ અગાઉ ચોરીના ગુન્હામાં પકડાઈ ગયો છે

તસ્વીરમાં નીચે બેઠલ તસ્કર ગેંગના ચાર સાગ્રીતો નજરે પડે છે. પાછળ ગોંડલના પી.આઈ. રામાનુજ તથા સ્ટાફ નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૧૯ :. ગોંડલના બસ સ્ટેન્ડ પાસે બે દિ' પૂર્વે કોલેજીયન મોલમાં થયેલ ૪૦ લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં ગોંડલ પોલીસ અને રૂરલ એલસીબીની ટીમને સફળતા મળી છે. પોલીસે તસ્કર ગેંગના ૪ સાગ્રીતોને ૧૯.૩૦ લાખની રોકડ રકમ સાથે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ કોલેજીયન મોલમાં રાત્રીના કોઇ અજાણ્યા શખ્સોએ મોલની અંદર પ્રવેશી કાઉન્ટરના ખાનામાં રાખેલ ૪૦ લાખ ચોરી કરી જતા મોલના માલિક સલીમભાઇ શકરાભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

દરમિયાન આ ચોરીની ઘટના અંગે રૂરલ એસ.પી. અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ ગોંડલના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી ગૌસ્વામી, સીટી પી.આઇ. રામાનુજ, રૂરલ એલસીબી તથા રૂરલ એસ.ઓ.જી. સહિતની ટુકડીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સીસીટીવી ફુટેજમાં ચોરી કરનાર શખ્સોની ઓળખ મળી જતા તસ્કર ગેંગનું પોલીસે પગેરૂ દબાવ્યુ હતું.

આ ચોરીમાં તસ્કર ગેંગના સુલેહ મહમદભાઈ ઓઢેજા રહે. ભગવતપરા, અરબાજ ઉર્ફે અરૂભાઈ ઈસ્માઈલભાઈ ખીરાણી રહે. દેવપરા ગોંડલ, મોહીન ઉર્ફે કુકો ગફારભાઈ બાલાપરીયા રહે. મૌવીયા રોડ ગોંડલ તથા અજરૂદીન ઉર્ફે અજુબાપુ અનવરમીંયા કાદરી રહે. મોવીયા રોડ ગોંડલની સંડોવણી હોવાનું ખૂલતા ગોંડલના પી.આઈ. કે.એન. રામાનુજ, પી.એસ.આઈ. બી.એલ. ઝાલા, પી.એસ.આઈ. જે.બી. મીઠાપરા તેમજ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ અને ગોંડલ ડી સ્ટાફના કુલદીપસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ, એન.પી. જાડેજા, જયસિંહ રાણા, હરુભા જાડેજા તથા વિરભદ્રસિંહ સહિતના સ્ટાફે વોચ ગોઠવી તસ્કર ગેંગના ઉકત ચારેય સાગરીતોને રોકડ રૂ. ૧૯.૩૦ લાખ સાથે દબોચી લીધા હતા. આ તસ્કર ગેંગનો મુખ્ય સૂત્રધાર અબ્દુલ ઉર્ફે બાદશાહ ઈકબાલભાઈ મુળીમાં હોવાનું ખુલતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોલમાંથી ચોરી કર્યા બાદ તસ્કર ગેંગે રોકડ રકમના ભાગ પાડી લીધા હતા અને બાદમાં નાસી છૂટયા હતા. મુખ્ય સૂત્રધાર અબ્દુલ ઉર્ફે બાદશાહ અગાઉ પણ ચોરીના ગુન્હામાં પકડાય ગયો છે. પકડાયેલ તસ્કર ગેંગના ચારેય સાગ્રીતોની વધુ પુછતાછ હાથ ધરાય છે.(૨-૮)

(12:10 pm IST)