સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

મુખ્યમંત્રીના સચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમારે પરિવાર સાથે ગિરનાર રોપ-વેની સફર માણી

અંબાજી માતાજીનાં દર્શન કર્યાઃ પૂ. તનસુખગીરીબાપુએ ચુંદડીની ભેટ આપીઃ કલેકટર સમયનાં સંસ્મરણો વાગોળ્યા

જુનાગઢઃ અશ્વીનીકુમારે માતાજીના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનકુમારે તેમના ધર્મપત્નિ સહિત પરિવારજનો સાથે ગિરનાર ટેમ્પલ રોપ-વેની સફળ માણી હતી. અશ્વિનકુમારે પરિવાર સાથે રોપ-વે મારફત ગરવા ગિરનારની ટોચ પર બિરાજતા માં અંબાજીના મંદિરે પહોંચીને મા અંબાના દર્શન કર્યા હતા. આ તકે મહંતશ્રી તનસુખગીરીબાપુએ શ્રી અશ્વિનીકુમાર દંપતીને માતાજીની ચુંદડીની ભેટ આપીને આશિર્વાદ પાઠવ્યા હતા. ગિરનાર અંબાજી મંદિરના દર્શન દરમ્યાન શ્રી અશ્વિનીકુમાર સાથે પ્રેસ કલબના પ્રમુખ અને ભાજપના યુવા અગ્રણી કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા તથા ડો. આરદેસણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ કલેકટર તરીકે પ્રસંશનીય ફરજ બજાવી ચૂકેલા શ્રી અશ્વિનીકુમારની આ મુલાકાત દરમ્યાન તેમના કલેકટર તરીકેના ફરજકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવેલ કે, ગિરનાર અંબાજી મંદિર સુધી હેલીકોપ્ટર સેવા પણ શરૂ થયેલ અને હવે ગિરનાર ટેમ્પલ રોપ-વેનો પણ પ્રારંભ થતા ગિરનાર તિર્થ ક્ષેત્રની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. અને આર્થિક વૃધ્ધિ પણ થશે તેમ જણાવ્યું હતું. પ્રસ્તુત તસ્વીરોમાં શ્રી અશ્વિનીકુમાર અંબાજી માતાજીના દર્શન કરી રહ્યા હોવાનું અને મહંત શ્રી તનસુખગીરીબાપુ તેઓને માતાજીની ચુંદડીની ભેટ આપી રહ્યા હોવાનું અને આ તકે ઉપસિથત શ્રી કૃષ્ણકાંત રૂપારેલીયા અને ડો. આરદેસણા દર્શાય છે.

(12:45 pm IST)