સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

કેશુબાપાની ખોટ રાજકારણમાં કયારેય નહીં બૂરાય : ડો. બાબી

નવાગઢ,તા. ૩૧: મારી રાજકીય સફર ૧૯૮૨ માં માં શરૂ થઈ.શરૂઆતમાં ૧૯૮૫ પછી ઘણો સમય કેશુભાઈ સાથે ની બેઠકોમાં તથા પ્રવાસમાં જતો.ખૂબ નાની ઉંમરના મારા બાળકો અને ખૂબ જવાબદારીઓ હોવા છતાં સમાજ માટે કશું સારું થાય તે ઝંખના ને લીધે હું કાયમ અમદાવાદ કે રાજકોટ તમામ બેઠકોમાં હાજરી આપતી.કેશુભાઈની ગુજરાતની ખાસ કારોબારીમાં મારા સિવાય એક પણ બહેન ન હતી.

આનંદીબેન પટેલ અને ભાવનાબેન ચિખલિયા પણ મારાથી ખૂબ જુનિયર હતા.૧૯૮૪ થી ૯૫ સુધી,સતત ગુજરાત માં ખુબ પ્રચલિત વકતા તરીકે નામ રોશન થયું અને કેશુભાઈ મને વલસાડ,સેલવાસ તથા દિવ અને દમણ અને સમગ્ર ગુજરાત ના બધાજ જિલ્લાઓ માં પ્રચાર માટે મોકલતા.તેઓ કોઈ ભેદભાવ ન રાખતા અને આ તો સંજોગો વિપરીત આવ્યા નહીતો ખેડૂતપુત્ર અને ગામડામાં રહેલા કેશુભાઈ એ ગુજરાત ના ખેડૂતો ને એવી રાહત આપી હોત કે જેથી તેઓ ને આત્મહત્યા કરવાનો કોઈ દિવસ વારો ના આવ્યો હોત.લોકહિત હૈયે હોય તેજ ખેડૂત અને ગરીબોને સમઝી શકે.તેમ ડો. સહેનાઝબેન બાબીએ જણાવ્યું છે.

એકવાર કેશુભાઈ એ મને કીધું,'તમે વકીલ બન્યા હોત તો ખૂબ આગળ વધી ગયા હોત.'મે જવાબ આપ્યો ,'મને શિક્ષણ ખૂબ ગમે છે અને તેમાંજ મને સંતોષ મળે છે.કોર્ટ,કચેરીમાં મારે લોકો ને મદદ માટે કે લોક અદાલત માં ઘણીવાર જવાનું થાય છે પણ વકીલ હવે ના બની શકાય.'

લોકશકિતરથ જયારે ગુજરાતમાં ફર્યો ત્યારે કેશુભાઈ ની સાથે રથ માં ખૂબ પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો હતો.ખૂબ સારો પ્રતિભાવ પણ મળ્યો અને ગામડે ગામડે લોકો સ્વાગત કરવા ઉમટી પડતાહતા.જાહેરસભાઓ માં તેઓ ગુજરાતી બોલે અને હું હિન્દીમાં પ્રવચન કરતી..નર્મદાયોજના માટે તેઓનો નું ચિંતન તથા અભ્યાસ અદભુત હતા.મે તેઓને રૂબરૂ આ માટેની સાચી સમજ આપતાં સાંભળ્યા હતા ત્યારે લાગતું કે ખરેખર આ આગેવાનની નસે નસમાં ગુજરાતની પ્રજાનું હિત સમાયેલું રહે છે.

મર્યાદિત શિક્ષણ છતાં ખૂબ જોરદાર કોઠાસૂઝ અને સાચા અને ઉત્ત્।મ ઉદાહરણો દ્વારા સામેના માનવી ને સમઝાવાની અનોખી કલા તેઓમાં દેખાતી હતી. મહત્વાકાંક્ષી આગેવાનો એ તેઓ ની હાલત જરૂર બગાડી પણ ૯૧ વર્ષનું આયુષ્ય ભોગવી ખૂબ શાંતચિત્ત્।ે વિદાય લીધી માટે તેઓ નસીબદાર ગણાય.

આજે ખૂબ દગાબાજ,સ્વાર્થી અને વારંવાર કાકિંડા ની જેમ રંગ બદલતા અને પૈસાને જ પરમેશ્વર ગણતા તથા માત્ર પોતાનાજ પેટ ભરતા અમુક આગેવાનો થી પ્રજા કંટાળી ગઈ છે ત્યારે ખૂબ ચારિત્રવાન,ચોક્કસ યોગ્ય નિયમો પાળનાર અને સાદગી થી શોભનાર, સારી ભાવના રાખી લોકકલ્યાણ માટે સમર્પિત એવા કેશુભાઈ પટેલ સદા યાદ રહેશે. તેમ અંતમાં ડો.બાબીએ કહ્યું હતું.

(12:41 pm IST)