સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

ચોટીલાની સીમમાં કૂવામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી

અજાણ્યા શખ્સની હત્યા કે આત્મહત્યા અંગેનું રહસ્ય

વઢવાણ, તા.૩૧: ચોટીલા રાજકોટ હાઈવે ઉપર નાની મોલડી નજીક કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં કોહવાયેલ પુરૂષની લાશ મળતા ચકચાર ફેલાયેલ છે. પ્રાપ્ત વિગતોનુસાર આપા ગીગાના ઓટલા સામે આવેલ પાણીના કુવામાં પુરૂષનો મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. લોકોની મદદથી લાશને બહાર કાઢી પી.એમ. માટે ખસેડેલ હતી.

પ્રાથમિક તપાસમાં મરનારની પ્રથમ દ્રષ્ટિએ કોઈ ઓળખ પુરાવાઓ મળેલ નથી. જયારે લાશની હાલત જોતા એકાદ વીક પહેલા ગુજરનાર મોતને ભેટેલ હશે તેવું જણાય રહેલ છે. મરનારે કાળા જેવું પેન્ટ અને ભૂખરા કલર્સ જેવો શર્ટ પહેરેલ છે. ત્યારે પોલીસ માટે મરનાર કોણ છે ? કેવી રીતે મોતને ભેટયો, સતત અવર જવર વાળા હાઈવે ઉપર આટલા દિવસ સુધી કુવામાં લાશ હોવાની ગંધ કેમ ન આવી ? અકસ્માત, આપદ્યાત કે અન્ય કંઈ ? જેવી બાબતો તપાસના વિષય છે.શંકાસ્પદ હાલતમાં મળેલ લાશ ફોરેન્સિક પીએમ રાજકોટ ખસેડાયાનું જાણવા મળે છે વધુ તપાસ એએસઆઈ જયેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે.

(11:20 am IST)