સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st October 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ઉજવણી

શોભાયાત્રા, પુષ્પાંજલી, રન ફોર યુનિટી, વાર્તાલાપ સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ૩૧મી ઓકટોમ્બર એટલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ગામે-ગામ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓ અને તસ્વીરને પુષ્પાંજલી આર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શોભાયાત્રા, રન ફોર યુનિટી, વાર્તાલાપ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

જામકંડોરણા

જામકંડોરણા : જામકંડોરણામાં ખોડલધામ સમિતિ દ્વારા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા સવારે ૮-૩૦ કલાકે સરદાર પટેલ ચોકથી શરૂ થઇ ડંકી ચોક, ભાદરા નાકા, કાલાવડ રોડ, બસ સ્ટેશન, લેઉવા પટેલ કન્યા છાત્રાલય થઇ ઉદ્યોગનગર બોરીચા થઇ બોરીચા ગામે પૂર્ણ થશે. આ શોભાયાત્રાનું કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે દીપ પ્રાગટય કરી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સરદાર પટેલની પ્રતિમાઓને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ આગેવાનો પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ શોભાયાત્રામાં તાલુકાભરના ખોડલધામ સમિતિના યુવાનો તેમજ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમ જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા જણાવાયું છે.

જસદણ

 જસદણ : જસદણ તાલુકા સરદાર પટેલ યુવા ગ્રુપ અને આટકોટ ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે દેશના લોખંડી મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ અનુસંધાને એક મહારેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પટેલ સમાજના આગેવાનો ભરતભાઇ છાયાણી, દેવશીભાઇ ખોખરીયા સહિતના આગેવાનો જોડાયા હતાં. દેશમાં પોતાની માલીકીનું એક પણ ઘર ન હતું એવા નખશીખ પ્રમાણિક સરદાર વલ્લભભાઇ પટેલ પોતાનું જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું તે દેશની આવનારી પેઢી પણ ભૂલી નહીં શકે તેમની  જન્મ જયંતિએ ગુરૂવારે આટકોટથી જસદણ સુધી એક ભવ્ય રેલી નીકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતાં.ભાવનગર

 ભાવનગર : સરદાર યુવા મંડળ-ભાવનગર અને સરદાર વલ્લભભાઇ પટેલ પ્રા. શાળા નં. ૭૬ના સંયુકત ઉપક્રમે તા. ર૧-૧૦-૧૯ના રોજ ભરતનગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ  કાર્યક્રમો યોજાયા જેમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન આમ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓને સન્માનીત કરેલ તેમજ સાબરમતી આશ્રમ ખાતે કૃતિ રજૂ કરનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનીત કરેલ, આમ સરદાર જયંતિએ શાળામાં રજા હોય એટલે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરદાર મંડળ-ભાવનગરના પ્રમુખ ભરત મોણપરા શાળાના આચાર્ય હરેશભાઇ રાજયગુરૂ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

(11:43 am IST)