સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st October 2019

ગીર સોમનાથના પૂર્વ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્નીને શુટીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ર૪ મેડલ

પ્રભાસપાટણ, તા. ૩૧ : ગીર-સોમનાથ જીલ્લાના પ્રથમ અને પૂર્વ તથા હાલ ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદના ચુડાસમાએ શુટીંગ સ્પર્ધાઓમાં છેલ્લા બે વરસમાં ર૪ જેટલા મેડલો પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું હિર અને ક્ષમતા ઝળકાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

વંદનાબાને કોચીંગ તેમના પતિ રાજેન્દ્રસિંહ ચુડાસમા જ આપી રહ્યા છે અને તેમની પાસેથી મળી રહેલી તાલીમ થકી જ તેઓ સતત આગેકુચ કરી રહ્યા છે. બે વરસની રાયફલ શુટીંગમાં દૃઢ મનોબળ સાથે તેમને તાકેલા નિશાન અચુક રહેવા પામ્યા છે.

વંદનાબાએ શોટગન, એરપીસ્તલ, સ્પોર્ટસ પીસ્તલ સહિતની રમતોમાં મહારથ હાંસલ કરેલી છે અને આ કેટેગરીમાં ગોલ્ડ, સીલ્વર, બોન્ઝ મળી ર૪ મેડલો હાંસલ કર્યા છે.

રાજયકક્ષાની એક જ ટુનાર્મન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કરી તથા એરપીસ્તલ, સ્પોર્ટ પીસ્તલ, સંગીલ ટ્રેપ, શોર્ટગન શુટીંગ ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

વંદનાબાના પિતા રાજકોટ રૂરલમાં પી.એસ.આઇ. તરીકે અને કચ્છ એ.સી.બી.માં પી.આઇ. તરીકે ફરજ બજાવી ચૂકયા છે. જયારે તેમના પ્રેરક-પ્રોત્સાહક રાજેન્દ્રસિંહ ચુડાસમા ગીર-સોમનાથ જીલ્લા મોરબી-ભાવનગર સહિત રાજયમાં ગૌરવપ્રદ યશસ્વી ફરજ કાર્યરત થયેલ છે અને હાલ ભરૂચ એસ.પી. છે.

(9:53 am IST)