સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

સંસ્કૃત ભાષાએ દેશની સંસ્કૃતિ અને ગરિમા છેઃ ઇશ્વરસિંહ પટેલ

સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવવા સરકાર રૂ.૧૦ લાખની સહાય આપે છે

સુરેન્દ્રનગર, તા.૩૧: અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભુત્વ સામે સંસ્કૃત ભાષાની ગરિમા જળવાઈ રહે તે હેતુથી સંસ્કૃત ભાષા લોકભાષા તરીકે બોલાય તે માટેના પ્રયત્નો માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી દર વર્ષે રૂપિયા ૧૦ લાખની સહાય આપવામાં આવતી હોવાનું રાજયકક્ષાના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે યોજાયેલી સંસ્કૃત પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે મંત્રીશ્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું. આ તાલીમ શિબિરની વિશિષ્ટતાએ હતી કે, એક જ કુટુંબના તમામ સભ્યોને સંસ્કૃત ભાષા બોલવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં નાના બાળકથી માંડીને વાલીઓ સુધીના વ્યકિતઓએ સંસ્કૃત શિખવામાં રસ લીધો હતો.

 આજના યુવાનો સંસ્કૃત ભાષા પ્રત્યે વધારે અભિરૂચિ કેળવે તેવો અનુરોધ કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક કે આર્થિક વિકાસ ગમે તેટલો થાય પરંતુ ચારિત્ર્ય નિર્માણ વગર વિકાસ અધુરો ગણાય છે. સંસ્કૃત ભાષા એ આપણા દેશની સંસ્કૃતિ અને ગરિમા છે તેથી સંસ્કૃત ભાષા વધારે પ્રચલિત થાય તે માટે સૌએ પ્રયત્નો કરવા જોઈએ.

 મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યોગ અને આયુર્વેદ પછી સંસ્કૃત ભાષાએ આપણા દેશને ગૌરવ અપાયું છે ત્યારે તે પ્રચાર માટે વધુને વધુ લોકોએ રસ લેવો જોઈએ.

 આ પ્રસંગે સંસ્કૃત ભારતી સંસ્થાના હોદ્દેદારો તથા સંસ્કૃત પ્રિય પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)