ધમલપર નજીકથી દારૂ ભરેલ ટેન્કર સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ
રાજકોટ તા. ૩૧: રાજકોટ તાલુકાના ધમલપર ગામ જવાના રસ્તા ઉપરના ખરાબા પાસેથી રૂ. ૩૭ લાખની કિંમતના ટેન્કર ભરીને અંગ્રેજી દારૂ સાથે પકડાયેલ આરોપી નવઘણ ઉર્ફે નોંધો ભગાભાઇ ફાંગલીયાએ જેલમાંથી જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. ઇન્ચાર્જ જજ શ્રી વી. વી. પરમારે નકારી કાઢી હતી.
આ અંગેની વિગત એવી છે કે તા. ૧૭-૩-ર૦નાં રોજ ડી.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ધમલપર ગામ નજીકથી દારૂ સાથેનું ટેન્કર પકડી પાડયું હતું. આ અંગે ખીજડીયા ગામે રહેતા આરોપી નવઘણની ધરપકડ કરીને જેલહવાલે કરતાં તેણે જામીન પર છુટવા અરજી કરી હતી.
આ અરજીના વિરોધમાં સરકારી વકીલ શ્રી મુકેશ પીપળીયાએ રજુઆત કરેલ કે, આરોપી સામે પ્રોહિબીશનનો સમાજ વિરોધી ગંભીર ગુનો છે. કુલ રૂ. ૩૭ લાખની કિંમતની ૮૪૬૦ બોટલો જંગી માત્રામાં મળી આવેલ હોય આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન પર છોડી શકાય નહિં.
ઉપરોકત રજુઆત તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને ઇન્ચાર્જ જજ શ્રી પરમારે આરોપીની રેગ્યુલર જામીન અરજીને નકારી કાઢી હતી.
આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મુકેશભાઇ પીપળીયા રોકાયા હતાં.