પીપવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વારા ફુડ પેકેટ્સનું વિતરણ
અમરેલીઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, પીપાવાવ દ્વારા રાજુલાની આસપાસના વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને ચોખા, લોટ જેવાં ખાદ્યપદાર્થોના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે મજૂરી કરીને દરરોજનું કમાતા રોજમદારોને દ્યર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે ત્યારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવ દ્વારા આ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખરેખર સરાહનીય છે.પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશનના કમાન્ડન્ટ શ્રી મોબીન ખાને આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વારા રાજુલાની આસપાસના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ લોકોને ફુડ પેકેટ આપવાનું શરૂ કર્યું છે. ગરીબ લોકોને બે ટંક જમવાનું મળી રહે તે માટે અમે તેઓને લોટ, ચોખા જેવી ચીજવસ્તુઓ આપીને તેમની અંશતઃ મદદ કરી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ફરજ અદા કરી રહ્યા છીએ.