સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

ઓદ્યોગિક નગરી મોરબી નગરપાલિકાની તિજોરી તળિયાઝાટક, વાહનો રીપેરીંગ કરવા પણ પૈસા નથી.

- ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ કાઉન્સીલરો સાથે મીટીંગ કરી.

મોરબીઃ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકા સુપરસીડ કરવાની વાતો વચ્ચે આજે મોરબી નગરપાલિકાના કાઉન્સીલરો સાથે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ મીટીંગ યોજી હતી જે મીટીંગમાં પાલિકાની તિજોરી તળિયા ઝાટક હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે

ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ આજે પાલિકાના સભાખંડમાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની ખાનગી મીટીંગ બોલાવી હતી જેમાં ૩૯ સભ્યો હાજર રહયા હતા તો ૧૩ સભ્ય ગેરહાજર રહ્યા હતા ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર મુછારની ઉપસ્થિતિમાં મળેલી મીટીંગમાં સદસ્યો પાસે કેટલાક જવાબો માંગવામાં આવ્યા હતા જેમાં અનેક ખુલાસા થયા હતા જેમાં દર મહીને પાલિકાનો ખર્ચ ૮૦ થી ૮૫ લાખ જેટલો છે લાઈટ બીલ ભરવાના ૪ વર્ષના બાકી છે પરંતુ પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે તિજોરીમાં સ્વ ભંડોળની રકમ નહીવત હોવાનું જાણવા મળ્યું હતું

તેમજ ૬૦૦૦ નવી લાઈટ નાખવામાં આવી હોય તે મામલે ધારાસભ્યએ રોશની વિભાગના અધિકારી પાસે જવાબ માંગ્યો હતો અને કરકસર કરવા માટે જણાવ્યું હતું ૨ મહિનાની મુદત આપી છે અને લાઈટ બીલમાં ૨૦ ટકા ફાયદો થવો જોઈએ તેવી તાકીદ કરવામાં આવી હતી તો સફાઈ માટે ૫૦ લાખનું મશીન પાલિકા પાસે છે પરંતુ તેના સંચાલન માટે ટેકનીકલ ટીમ નથી પાલિકા પાસે સ્વભંડોળની રકમ નથી જેથી વાહન રીપેરીંગ અને ડીઝલ માટે પૈસા ખૂટી પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે તો સફાઈ કર્મચારીના ૩૧ બોગસ નામોના પેમેન્ટ અગાઉ થતા હતા તે હટાવી દેવામાં આવ્યા હોવાની માહિતી વિભાગના જવાબદાર અધિકારીએ ધારાસભ્યને આપી હતી

ધારાસભ્યએ તમામ સદસ્યોને પોતાના વિસ્તારના તૂટેલા રોડનું લીસ્ટ બનાવવા કહ્યું હતું ૩ વર્ષમાં બનેલા રોડ નવા બનાવવા અને ૫૦ ટકા રકમ કોન્ટ્રાકટર પાસેથી વસુલવાનું જણાવ્યું હતું તેમજ મામલતદારના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની કમિટી બનાવવા ધારાસભ્યએ સૂચન કર્યું હતું.

(11:18 pm IST)