સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 31st January 2018

જુનાગઢમાં ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

૪ દિવસીય મહોત્સવઃ મહાવિષ્ણુયાગ વ્યાખ્યાનો અન્નકુટ કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો

જુનાગઢ તા.૩૧ : શ્રી સહજાનંદ સ્વામી ગુરૂકુલ-વંથલીના ઉપક્રમે શ્રી ઘનશ્યામ મહારાજનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે.

આગામી તા.ર થી ૬ ફેબ્રુઆરી સુધી શ્રી સ્વામીનારાયણ મંદિર-ઝાંઝરડા રોડ, જુનાગઢના આંગણે સંપ્રદાયની દિવ્યતા દિગંતમાં પ્રસરે. મુમુક્ષુઓને આધ્યાત્મિક પોષણ મળે, સંપ્રદાયના દિવ્ય સેવા કાર્યો ઉજાગર થાય તેવી વિશાળ શુભ ભાવના તથા સંતોના રૂડા આશીર્વાદ, તમામ હરિભકતોના સહકારથી સંગઠન, સેવા અને સત્સંગના મૂલ્યોસભર ભજન-ભકિતના અનેક અનુપમ કાર્યક્રમ સાથેનો અને દિવ્ય નવનિર્મિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવનાર છે.

શ્રી સહજાનંદ સ્વામી ગુરૂકુલ-વંથલી દ્વારા નિર્મિત શ્રી સ્વામીનારાયણ મંદિર, ઝાંઝરડા રોડ ખાતે યોજાનાર આ મહોત્સવ અંતર્ગત અનુષ્ઠાન, મહાવિષ્ણુયાગ, કથા-વાર્તા, વ્યાખ્યાનો, અભિષેક, અન્નકુટ, મહિલા મંચ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર મહોત્સવ પૂ.સદ્દ્દ.શ્રી દેવપ્રસાદદાસજીના અધ્યક્ષસ્થાને ઉજવાશે. પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની નગરયાત્રા તેમજ તેઓશ્રીના હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વેદોકત વિધિથી યોજાશે.

આ મહોત્સવ પ્રસંગે ધામધુમથી અનેક સંતો-મહંતો યજમાનશ્રીઓની પાવન ઉપસ્થિતિ રહેશે. મહોત્સવ દરમિયાન આર.સી.ફડદુ, જયેશભાઇ રાદડીયા, રાજેશભાઇ ચુડાસમા સહિતના રાજદ્વારી મહેમાનશ્રીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી અવસર દિપાવશે.

શાકોત્સવ યોજાયો

શ્રી સ્વામીનારાયણ સત્સંગ સમાજ તેમજ સમસ્ત સમઢીયાળા ગ્રામ સમાજ દ્વારા શા. ભકિતપ્રકાશદાસજીના સાનિધ્યમાં શાકોત્સવ યોજાયો હતો.

શાકોત્સવમાં વિધ-વિધ ધામથી સંતોમાં વંથલીથી શા.શ્રીજીસ્વરૂપદાસજી, જુનાગઢથી પી.પી.સ્વામી, યજ્ઞપુરૂષ શાસ્ત્રી, પંચાળાથી પ્રેમસ્વરૂપ સ્વામી આદિક સંતોએ પધારી આર્શીવચનનો અલભ્ય લાભ આપ્યો. ભંડારી સ્વા. મોહનપ્રસાદદાસજીએ શાક બનાવી બધા જ સત્સંગી હરિભકતોને તૃપ્ત કર્યા હતા સાથે સમઢીયાળામાં ર૦ વર્ષથી તલાટી મંત્રીની સેવા બજાવતા શ્રી ધડુક નિવૃત થતા તેમનો વિદાય સમારંભ સન્માન સમારોહ યોજાયો. સમઢીયાળાના જ વતની વતનના રતન રાજનીતિજ્ઞ એલ.ટી.રાજાણી જુનાગઢ ડીસ્ટ્રીક બેન્કના પ્રમુખપદે વરણી થતા શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજી સંતો તથા ગ્રામવાસીઓએ સન્માન કરેલ હતુ.

શ્યામ મહિલા મંડળ દ્વારા તિરંગો લહેરાયો

શ્યામ મહિલા મંડળ દ્વારા ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે શ્રી શ્યામ વિદ્યાલય ખાતે જ્ઞાતિ ઉપપ્રમુખ પ્રકાશભાઇ ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં જ્ઞાતિ અગ્રણી શ્રી દિનેશભાઇ કાચા, ગોરધનભાઇ ટાંક, ફોજીના જવાનો, નિવૃત ડીવાયએસપી પ્રકાશભાઇ ભાલીયા, જેસીઆઇ પ્રેસીડેન્ટ જીતેન્દ્રભાઇ ત્રિવેદી તેમજ કન્વીનર કિશોરભાઇ ચોટલીયા તથા ભરતભાઇ ભાલીયા તેમજ શ્યામ મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌહાણ, ભાનુબેન ટાંક, જોત્સનાબેન ટાંક, છાયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, સુશીલાબેન સોલંકી, વૈશાલી ચોટલીયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્યામ વિદ્યાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ ભાલીયાએ કરેલ હતુ અને આભાર વિધિ શ્રીમતી મીનાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતુ.

મૌલિક સ્કુલ દ્વારા  કલા પર્વ ઉજવાયુ

મૌલિક સ્કુલમાં પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજવંદનની સાથે વાર્ષિક મહોત્સવ કલાપર્વ-ર૦૧૮ની ઉજવણી કરવામાં આવી હતી. સર્વ પ્રથમ દરેક વિદ્યાર્થીઓએ સરસ્વતી વંદના કરી ત્યારબાદ શાળામાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત આચાર્યોશ્રી દ્વારા કરવામાં આવ્યુ. ત્યારબાદ ટ્રસ્ટીશ્રીના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજને સલામી આપી અને ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.મૌલિક સ્કુલ દ્વારા ભારત માતાનું પુજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, વાલીશ્રીઓ, શાળાના સંચાલકશ્રી જેઠવા અને શ્વેતાંગ વૈષ્ણવ, આચાર્યો, શિક્ષકગણ તથા શાળાના વ્હાલા વિદ્યાર્થીઓ ભાઇઓ તથા બહેનો દ્વારા રાષ્ટ્રગાન કરાવવામાં આવ્યુ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નારા બોલાવી શહીદોની યાદમાં બે મીનીટ મૌન રાખીને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી.

કલાપર્વ-ર૦૧૮માં મૌલિક સ્કુલ-જુનાગઢ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધારાસભ્ય ભીખાભાઇ ગલાભાઇ જોષી, મેયર શ્રીમતી આદ્યશકિતબેન મજમુદાર તેમજ જીતુભાઇ ભીંડી, પ્રદિપભાઇ ખીમાણી, જી.પી.કાઠી, કે.ડી.પંડયા, અરવિંદભાઇ ભલાણી, પુનિતભાઇ શર્મા, લાખાભાઇ પરમાર, ગોવિંદભાઇ મારૂ, આર.કે.પટેલ, નરેશભાઇ સાસીયા, સંજયભાઇ કામળીયા, ધર્મેન્દ્રભાઇ ડાંગર વગેરે મહેમાનશ્રીઓએ હાજરી આપી હતી.

પ્રજાકીય સંપત્તિને નુકસાન યોગ્ય નથીઃ અરવિંદભાઇ

એસ.ટી. કર્મચારી મંડળના પુર્વ જનરલ સેક્રેટરી અને મહામંડળના કાર્યકારી પ્રમુખશ્રી અરવિંદભાઇએ જણાવેલ કે ભારત લોકશાહી દેશ છે. તેમાં પોતાની વ્યકિતગત કે પોતાના સમાજના સમૂહની પ્રમાણિક અને વ્યાજબી માંગણી-રજુઆત કરવાનો અબાધિક હક્ક છે અને સમૂહમાં શાંતિ રીતે આંદોલન પણ કરી શકાય છે. જેમાં કોઇને પણ વાંધો હોઇ શકે નહી. તાજેતરમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવામાં આવેલ છે તેની સાથે એસ.ટી.ના કર્મચારીગણ માન્ય સંગઠનો કે અધિકારગણને કોઇ વાંધો નથી અને આ આંદોલન બારામાં કોઇપણ પ્રકારની ટીકા-ટીપ્પણ કરવામાં આવેલ નથી. તેમ છતાં એસ.ટી.ની બસો સળગાવવામાં આવે છે રાજકીય અને પ્રજાકીય સંપત્તિને નુકસાન કરવામાં આવે છે તેની સામે મારો સખ્ત વિરોધ છે. એસ.ટી. અમારી માતૃ સંસ્થા છે. પ્રજાને કે કોઇ સંસ્થાને આંદોલન દ્વારા બાનમાં લઇ શકાય નહી.(૩-૧)

(10:37 am IST)