સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

પરસ્ત્રી સાથે સંબંધ રાખી, ખંભાળિયાની યુવતીને કાઢી મુકી

જામખંભાળિયા તા.૩૦ : તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજાની ર૧ વર્ષીય પરિણીત પુત્રી નેહલબા રવિરાજસિંહ ઝાલાના લગ્ન થોડા સમય પુર્વે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રહેતા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સાથે થયા હતા. રવિરાજસિંહ દ્વારા અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોવાની બાબત નેહલબાના ધ્યાને આવતા તેણીએ પોતાના પતિના ફોનમાં અન્ય સ્ત્રી સાથેના ફોટા તેમજ રેકોડીંગ પણ જાણી લીધુ હતુ. આ બનાવ બનતા નેહલબાને પતિ રવિરાજસિંહ દ્વારા અવાર નવાર ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી અને આ અફેર બાબતે જો તેણી કોઇને કહેશે તો તેનેજાનથી મારી નાખવાની ધમકી આપી દીધી હતી.

આ કૃત્યમાં તેણીના સસરા મહેન્દ્રસિંહ ખાણુભા ઝાલા તથા સાસુ વિમળાબા દ્વારા પણ પોતાના પુત્રના કૃત્યને આડકતરી રીતે ઉત્તેજન આપી, મેણા ટોણા મારવારમાં આવતા હતા. સાસુ દ્વારા તારી માં એ તને કાંઇ શીખવાડયુ નથી. તુ અહીંથી જતી રહે. મારો દિકરો તેને ગમે એટલી છોકરીઓ સાથે અફેર રાખશે તેમ કહી નેહલબા સાથે અવાર નવાર ઝઘડા તથા મારકુટ કરવામાં આવતા હતા.

આમ રવિરાજસિંહે અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવી, પોતાની પત્નીને શારીરીક તથા માનસિક ત્રાસ આપી અને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુકયા અંગેની ધોરણસરની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છ. આ બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮ (એ) ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:41 pm IST)