સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છની મજૂર અદાલતોમાં પ્રેકટીસ કરતા વકીલો અને પ્રતિનિધિઓના ફેડરેશનની રચના

ગીરીશ ભટ્ટની પ્રમુખ તરીકે અને યોગેશ રાજ્યગુરૂની સેક્રેટરી તરીકે સર્વાનુમતે નિમણૂક

રાજકોટ, તા. ૩૦ :. સૌરાષ્ટ્ર અને કચ્છની વિવિધ મજૂર અદાલતો અને ઔદ્યોગિક ન્યાયપંચમાં પ્રેકટીશ કરતા વકીલો અને યુનિયન પ્રતિનિધિઓની મીટીંગ તા. ૨૭-૧૧-૨૦૨૧ને શનિવારના રોજ મજૂર મઢી ખાતે મળેલ હતી.
આ અંગે માહિતી આપતા ફેડરેશનના સેક્રેટરી યોગેશભાઈ રાજ્યગુરૂએ જણાવેલ કે, લેબર લોઝ પ્રેકટીનર્સ એસો.ના તત્કાલીન પ્રમુખ ભુષણભાઈ વચ્છરાજાની, સીનીયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ તથા યોગેશભાઈ રાજ્યગુરૂ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના લેબર બાર એસો.ના પ્રમુખ અને સેક્રેટરીને મીટીંગમાં હાજર રહેવા જાણ કરાયેલ અને તેના અનુસંધાને યોજાયેલ આ મિટીંગમાં રાજકોટ લેબર બાર એસો.ના સીનીયર એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટ, યોગેશભાઈ રાજ્યગુરૂ, દિલીપભાઈ ઠાકર, ઘનશ્યામભાઈ ઠાકર, અમિતભાઈ માંકડ, શૈલેષ વ્યાસ, સુનિલ વાઢેર, હર્ષદ બારૈયા, વિજય ટીંબડીયા, મુકેશ તન્ના, અશોક ગોસાઈ રહેલ હતા. જ્યારે ભાવનગરથી ગંગાધર રાવલ, ભૂજ-કચ્છમાંથી હર્ષદ પંડિત, જામનગરથી પંકજ જોષી, હમીદ દેદા, ગૌરાંગ શારડા તથા સુરેન્દ્રનગરથી સુશિલ શાહ, અશોક ખાનસુરીયા તથા મનોજ જ્યોતિષી હાજર રહેલ હતા.
આજની આ મીટીંગમા ગીરીશભાઈ ભટ્ટે સ્વાગત પ્રવચન કરેલ. યોગેશભાઈ રાજ્યગુરૂ, ગંગાધરભાઈ રાવલ, દિલીપભાઈ ઠાકર, પંકજભાઈ જોષી તથા સુશિલભાઈ શાહે ફેડરેશનની આવશ્યકતા બાબતે પોતાના મંતવ્યો આપેલ હતા. અદાલતોમાં સેટ-અપની અપુરતી સંખ્યાથી પડતી મુશ્કેલીઓ, સીજીઆઈટીનું તથા પ્રોવિડન્ટ ફંડના કેસો જીલ્લાની ઔદ્યોગીક ન્યાય પંચને સુપ્રત કરવા તથા સૌરાષ્ટ્ર-કચ્છની મજુર ખાતાની કચેરીઓમાં ખાલી જગ્યાઓ ભરવા તથા પડતી મુશ્કેલીઓ નિવારવા એક ફેડરેશનની રચના કરવા અંગે ઠરાવ કરવામાં આવેલ અને આ ફેડરેશનમાં સીનીયર એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટની પ્રમુખ તરીકે અને યોગેશભાઈ રાજ્યગુરૂ (એડવોકેટ)ની સેક્રેટરી તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલ.

 

(11:30 am IST)