સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

લગ્ન પ્રસંગે ભડાકા કરનારને ત્વરિત ઝડપી લેતી હળવદ પોલીસ

જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ આરોપીઓને દબોચી લેવાયા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૩૦: તાલુકાના રાયધ્રા ગામે ગઈકાલે લગ્ન પ્રસંગે જોટા બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરનાર ઇસમોને હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

હળવદના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં જાહેરમાં બંદૂકમાંથી ફાયરિંગ કરતા આ બનાવના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતા જે અનુસંધાને પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાએ વાયરલ થયેલ વિડીઓ બાબતે લગ્ન પ્રસંગમાં ફાયરીંગ કરનાર ઈસમોને સત્વરે શોધી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા જાણવા મળેલ કે હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખેગાંરભાઈ ગાંડુભાઈ કુકવાવાના દિકરાની દિકરીઓના લગ્નમા આ ફાયરીંગ થયેલ હતું.

જેથી હળવદ પોલીસે ગણતરીના સમયમા ફાયરીંગ કરનાર ઈસમોને હસ્તગત કરીને વધુ પુછપરછ કરીને આર્મ્સ એકટના કાયદા મુજબ કાર્યવાહી કરવા કાર્યવાહી ચાલુ છે ત્યાર બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

(10:32 am IST)